વડોદરાની એમ.એસ યુનિમાં.ગર્લ્સ હોસ્ટેલની મેસ જલદી ચાલુ કરવાની માગણી સાથે સૂત્રોચ્ચાર કરી દેખાવો
Vadodara M S University : વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં આજે એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ ઉગ્ર સુત્રોચ્ચાર કરીને ડેપ્યુટી ચીફ વોર્ડનની ઓફિસ બહાર દેખાવો કર્યા બાદ તેમની નેમ પ્લેટ ઉપર શાહી લગાવી વિરોધ કર્યો હતો.
વિદ્યાર્થી આગેવાનોનું કહેવું છે કે એમએસ યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલની મેસમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ 100 થી વધુ ગર્લ્સ બીમાર પડી હતી. આ ઘટના બાદ શિલ્પા હોસ્પિટાલીટી કમ કેટરર્સનો કોન્ટ્રાક્ટર રદ કરીને મેસ બંધ કરી દેવામાં આવી હતી. મેસ બંધ કરી દીધા બાદ હાલ હોસ્ટેલની ગર્લ્સને જમવાની ખૂબ તકલીફ પડી રહી છે. બહારથી ટિફિન મંગાવવા પડે છે. વરસાદમાં બહાર જમવા જવું પડે છે. ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ ડિલિવરી બોયઝની આવજા વધી ગઈ છે, જેથી ગર્લ્સ હોસ્ટેલ છે કે બોયઝ હોસ્ટેલ તે જ ખબર પડતી નથી.
અગાઉ સત્તાધીશોએ આ મામલે એક સમિતિનું ગઠન કર્યું હતું અને કોન્ટ્રાક્ટ પણ રદ કરી દીધો હતો, પરંતુ હવે શું ? આ આરોગ્યનો સંવેદનશીલ પ્રશ્ન હોવાથી યુનિવર્સિટી સત્તાધિશોએ જલ્દી નિર્ણય લેવાની જરૂર છે અને મેસ તાત્કાલિક ચાલુ કરી દેવાની માંગ કરી હતી. મેસના કોન્ટ્રાક્ટ આપવામાં શા માટે વિલંબ કરવામાં આવે છે તે સવાલ ઉઠાવી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના બાથરૂમ, ટોયલેટસ વગેરેની સ્વચ્છતા અને સફાઈના સવાલ પણ ઉઠાવ્યા હતા. જોકે ગર્લ્સ હોસ્ટેલમાં વૈકલ્પિક વ્યવસ્થા માટે સત્તાધીશોએ સેન્ટ્રલ કેન્ટીન શરૂ કરી છે, અને મેસ ફરી શરૂ કરવા માટે ટેન્ડરો પણ મંગાવ્યા છે, તેવું જાણવા મળ્યું છે. એ અગાઉ વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરતા ચીફ વોર્ડન ઓફિસે પહોંચ્યા હતા ત્યારે ગેટ બંધ કરી દેવાતા આક્રોશ ઠાલવ્યો હતો. ગેટ બંધ કરી દેવાના વિરોધમાં કર્મચારીઓની ઓફિસના રૂમને બહારથી બહારથી બંધ કરી દીધો હતો.