'નડિયાદ મનપા ચોર છે, સુવિધા નહીં તો ટેક્સ નહીં'ના નારા સાથે ધરણાં

- પ્રાથમિક સુવિધા, વારંવારની સમસ્યા અંગે આવેદનપત્ર
- શહેરમાં ગંદકીના ઢગલા, બિસ્માર રસ્તા, બંધ સ્ટ્રીટ લાઈટો, રખડતા પશુઓથી નગરજનોને હાલાકી
નડિયાદ મનપામાં આક્ષેપ સાથે આવેદનપત્રમાં રજૂઆત કરાઈ છે કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો ઉપયોગ માત્ર કાગળ પર જ દેખાઈ રહ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ખુલ્લેઆમ ગંદકીના ઢગલા, કાંસમાં ગંદકી ફેલાયેલી છે. શહેરમાં મોટાભાગના રસ્તાઓ અયોગ્ય ગુણવત્તાવાળી સામગ્રીથી બનાવવામાં આવ્યા હોવાથી નાગરિકોના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે.
માર્ગો પર ચારથી છ મહિનામાં જ ખાડા પડી જતા સમારકામ પાછળ ફરી ખર્ચ કરાય છે. ગેરંટી પિરિયડ હોવા છતાં કોન્ટ્રાક્ટરોને જવાબદાર ઠેરવવામાં આવતા નથી. શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી સાંજ પછી મહિલાઓ, વરિ નાગરિકો અને વિદ્યાર્થીઓની સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે શહેરમાં પાંચ વર્ષમાં થયેલા સ્વચ્છતા અને માર્ગ નિર્માણના કામોની ઉચ્ચકક્ષાએ તપાસ કરી જવાબદાર અધિકારીઓ, સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો સામે કાયદાકીય કાર્યવાહી કરાય તેવી માંગણી કરાઈ છે. નિર્ધારિત સમયમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારાઈ છે.
પ્રિમોન્સૂન કામગીરી આગોતરી નહીં માત્ર કાગળ પર જ કર્યાનો આક્ષેપ
૧૦૪ ટકા વરસાદની આગોતરી ચેતવણી હોવા છતાં પ્રિ-મોન્સૂન કામગીરી સમયસર હાથ ધરાઈ નથી. જે કામગીરી દર્શાવવામાં આવી છે તે માત્ર કાગળ પર જ સીમિત છે. પરિણામે, વરસાદી પાણી ભરાવા અને રસ્તાઓનું ધોવાણ જેવી વર્ષો જૂની સમસ્યાઓ વારંવાર સર્જાઈ રહી હોવાનો આક્ષેપ કરાયો છે.








