Gujarat

અમદાવાદના પેલેડિયમ મોલમાં તોડફોડ: ભગવા સેનાએ ક્રિસમસ ટ્રી પાડ્યું, પોલીસે કાર્યકરોની કરી અટકાયત

By GS TEAM
27 Dec 20251 min read
TukuTouch Logo
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા પેલેડિયમ મોલમાં શનિવારે ક્રિસમસ અને 31 ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવેલા શણગારનો વિરોધ થતા વાતાવરણ ગરમાયું હતું. ભગવા સેનાના કાર્યકરોએ મોલમાં લાગેલા ડેકોરેશન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ક્રિસમસ ટ્રીને તોડી પાડ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના પેલેડિયમ મોલમાં તોડફોડ: ભગવા સેનાએ ક્રિસમસ ટ્રી પાડ્યું, પોલીસે કાર્યકરોની કરી અટકાયત

Christmas Protest in Ahmedabad: અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા પેલેડિયમ મોલમાં શનિવારે ક્રિસમસ અને 31 ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવેલા શણગારનો વિરોધ થતાં વાતાવરણ ગરમાયું હતું. ભગવા સેનાના કાર્યકરોએ મોલમાં લાગેલા ડેકોરેશન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ક્રિસમસ ટ્રીને તોડી પાડ્યું હતું.  


ક્રિસમસ ટ્રી હટાવવાની માંગ સાથે દેખાવો

પોલીસના જણાવ્યા અનુસાર, ભગવા સેનાના સભ્યોએ મોલની અંદર લગાવવામાં આવેલા ક્રિસમસ ટ્રી સામે વાંધો ઉઠાવ્યો હતો. પ્રદર્શનકારીઓનો દાવો હતો કે આ પ્રકારનું પ્રદર્શન તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. પરિસ્થિતિ વધુ ન વણસે તે હેતુથી મોલ મેનેજમેન્ટ દ્વારા વિરોધ દરમિયાન જ ડેકોરેશન હટાવી લેવામાં આવ્યું હતું.

પોલીસે કાર્યકરોની અટકાયત કરી

ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવા બદલ પોલીસે ભગવા સેનાના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલા કાર્યકરોને વધુ પૂછપરછ માટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 'સ્થિતિને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી છે અને કોઈ અપ્રિય ઘટના બની નથી. મોલ ખાતે પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને મામલાને શાંતિપૂર્ણ રીતે ઉકેલી લેવાયો છે.'

પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને પ્રદર્શનના સંદર્ભમાં કોઈ કાયદેસરની કાર્યવાહી કરવી કે કેમ તેની આકારણી કરવામાં આવી રહી છે. અત્યારે મોલ અને આસપાસના વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે.