Get The App

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોનો વિરોધ, કાયમી ભરતી સહિતની માંગો સાથે આંદોલન

સરકાર માંગણી નહિ સ્વીકારે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી

Updated: Sep 11th, 2023


Google NewsGoogle News
ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોનો વિરોધ, કાયમી ભરતી સહિતની માંગો સાથે આંદોલન 1 - image



અમદાવાદઃ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા પડતર માંગણીઓને લઈ આજ રોજ રાજ્યભરમાં આઠમા તબક્કાનો કાર્યક્રમ સરકાર સામે યોજવામાં આવ્યો હતો. પડતર માંગણીઓના વિરોધમાં ગ્રાન્ટેડ શાળાના આચાર્યો અને શિક્ષકો સહિત સ્ટાફ દ્વારા થાળી વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાજ્યની દરેક ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો. સુરત, અમદાવાદ સહિતની સ્કૂલોમાં આજે વિરોધ જોવા મળ્યો હતો. સુરતની અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી ગુરુવાર સુધીમાં જો સરકાર માંગણી નહિ સ્વીકારે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી

ગુજરાત રાજ્ય શેક્ષણિક સંકલન સમિતિના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા પડતર માંગણીઓને લઈ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.20મી જીલાઇથી સમગ્ર રાજ્યમાં વિવિધ તબક્કા પ્રમાણે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.જ્યાં આજ રોજ આઠમા તબક્કાના કાર્યક્રમનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું હતું.જે અન્વયે સુરત ખાતે પણ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો,આચાર્ય તેમજ સ્ટાફ દ્વારા થાળી વગાડી સરકાર સુધી અવાજ પોહચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરતના ઘોડ દોડ રોડ ખાતે આવેલ એક્સપેરિમેન્ટલ શાળા ખાતે દેખાવ અને વિરોધ નોંધાવી સુરત જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.જ્યાં ગુરુવારે સુધીમાં જો માંગણી નહિ સ્વીકારવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

શિક્ષકો દ્વારા થાળી વગાડી વિરોધ કરવામાં આવ્યો

અમદાવાદમાં પણ આજે સ્કૂલ પૂરી થયા બાદ શિક્ષકો દ્વારા થાળી વગાડી વિરોધ કરવામાં આવ્યો હતો.રાજ્યભરમાં ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો, આચાર્ય અને સંચાલકોની બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ શિક્ષકોએ સાથે મળીને આવેદનપત્ર આપી, પત્ર લખીને, કાળા કપડાં પહેરી, કાળી પટ્ટી બાંધી, રામધૂન કરીને વિરોધ કર્યો હતો. તે ઉપરાંત પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આદેશ કરવામાં આવતા પાટણ જિલ્લાની તમામ ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, આચાર્ય, શિક્ષકો, ક્લાર્ક અને સેવકોએ શાળા છૂટવાના સમયે શાળાનું બેનર અને નિયત પ્લે કાર્ડ દર્શિત કરી 15 મિનિટ સુધી થાળી વગાડી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.


Google NewsGoogle News