Gujarat

સરકારી નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં હોબાળો, સાફ-સફાઈનો અભાવ, ભોજનમાં જીવડાની ફરિયાદો

By GS TEAM
24 Sep 20252 mins read
સરકારી નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં હોબાળો, સાફ-સફાઈનો અભાવ, ભોજનમાં જીવડાની ફરિયાદો

વડોદરાઃ શહેરના દિવાળીપુરા વિસ્તારમાં વેક્સિન ઈન્સ્ટિટયુટ પાસે આવેલી સરકારી નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં  રહેતી વિદ્યાર્થિનીઓનો અસંતોષ સપાટી પર આવ્યો હતો.

આ હોસ્ટેલમાં ૩૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ રહે છે અને આ પૈકીની કેટલીક વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી હોસ્ટેલમાં વોશરુમ્સની સાફ સફાઈ યોગ્ય રીતે થતી નથી.પાણીનું કૂલર જ્યાં મુકાયું છે ત્યાં પણ ગંદકીનું સામ્રાજ્ય છે.પીવાનું અને અન્ય વપરાશ માટેના પાણીના પણ ધાંધિયા છે.હોસ્ટેલની મેસમાં જમવામાં અવાર નવાર જીવડા અને ઈયળો નીકળે છે.આ મુદ્દે સત્તાધીશોનું અવાર નવાર ધ્યાન દોર્યું છે.વોટસએપ ગુ્રપમાં ભોજનમાં જોવા મળતા જીવડાના ફોટા પણ પોસ્ટ કર્યા છે.ફરિયાદ કર્યા બાદ થોડા દિવસ માટે સુધારો જોવા મળે છે અને પછી ફરી એની એજ પરિસ્થિતિ સર્જાય છે.એક વિદ્યાર્થિનીએ તો આક્ષેપ કર્યો હતો કે, મેસમાં ભોજન માટે અમે ૨૪૩૦ રુપિયા પ્રતિ માસ ફી ચૂકવીએ છે પણ તેની રસીદ પણ અમને અપાતી નથી.દરમિયાન વિદ્યાર્થિનીઓના સમર્થનમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા.તેમણે કહ્યું હતું કે, કેટલીક વિદ્યાર્થિનીઓ પગલા લેવાશે તેવા ડરથી બોલી શકતી નથી પણ હોસ્ટેલના વાયરલ થયેલા ફોટાથી ખબર પડે છે કે, વિદ્યાર્થિનીઓની ફરિયાદો સાચી છે.

અગાઉ રજૂઆત થઈ નથી, મેસ ભોજનની ગુણવત્તા અંગેના આક્ષેપની તપાસ કરાશે

કોલેજના આચાર્ય ભાવનાબેને કહ્યું હતું કે, જે ફોટા વાયરલ થયા છે તે ક્યાંના છે તેની અમને કે બીજા કોઈને પણ નથી ખબર.વિદ્યાર્થિનીઓએ પણ અમને ફોટો વાયરલ નહીં કર્યા હોવાનું કહ્યું છે.વિદ્યાર્થિનીઓ અમારી પાસે અગાઉ રજૂઆત લઈને આવી નથી.આમ છતા અમે મેસના ભોજન માટે જે આક્ષેપ થયા છે તેની તપાસ માટે એક કમિટિ બનાવી છે અને મેસ કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપી છે.રજાઓમાં સફાઈ કર્મચારીઓ નહીં હોવાથી કદાચ સાફ સફાઈની સમસ્યા સર્જાઈ હશે પણ તે અંગે પણ કર્મચારીઓનો ખુલાસો માંગવામાં આવશે.ઉનાળામાં પાણી કાપના કારણે પાણીની સમસ્યા આખા વડોદરામાં હતી.