Get The App

સુરત પાલિકાના યુનિયન સામે આક્રમક પગલા ભરનારા ડેપ્યુટી કમિશ્નરને ડેપ્યુટેશન પરથી પરત લેવાની માંગણી સાથે ધરણા

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
સુરત પાલિકાના યુનિયન સામે આક્રમક પગલા ભરનારા ડેપ્યુટી કમિશ્નરને ડેપ્યુટેશન પરથી પરત લેવાની માંગણી સાથે ધરણા 1 - image

Surat Corporation : સુરત પાલિકાની મુખ્ય કચેરીમાં લાંબા વર્ષોથી કોઈ પણ જાતના કરાર વિના ગેરકાયદે કબ્જો કરનારા પાલિકાના યુનિયનોને રાજ્ય સરકારમાંથી ડેપ્યુટેશન પર આવેલા મહિલા ડેપ્યુટી કમિશનરે પાઠ ભણાવ્યા હતા. મ્યુનિ.ના કરાર વિના ચાલતી ઓફિસ ખાલી કરાવી અન્ય કચેરી ચાલુ કરાવી દીધી હતી. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનની અન્ય મિલકત પરનો કબજો પણ ખાલી કરાવી દીધો હતો. હવે મરણિયા બનેલા યુનિયનોએ આજે એક દિવસના પ્રતિક ધરણા કરી ઓફિસનો કબજો પરત માંગવા તથા ડેપ્યુટી કમિશ્નરને ડેપ્યુટેશન પરથી પરત લેવાની માંગણી કરવામાં આવી હતી. 

સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર નિધિ શિવાચ દ્વારા સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરીમાં દાયકાઓથી અડિંગો જમાવી બેઠેલા વિવિધ યુનિયનનો એકડો કાઢી નાખવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં હવે રઘવાયા બનેલા યુનિયનોના હોદ્દેદારો દ્વારા નિધિ સિવાચે ગેરકાયદેસર રીતે પોતાની ઓફિસનો કબજો લઈને યુનિયનોની બદનામી કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ પ્રકારના આક્ષેપ સાથે આજે પાલિકાની મુખ્ય કચેરી પર વિવિધ યુનિયનોના હોદ્દેદારો દ્વારા એક દિવસનાં પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા. 

પાલિકાના યુનિયનો પર આકરા પગલાં ભરી ઓફિસ ખાલી કરાવવા તથા બદનામ કરવાનો આક્ષેપ સાથે યુનિયનો દ્વારા ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચને પરત લાવવા માટે રાજ્ય સરકારને તાકીદ કરવાની સાથે-સાથે ખાલી કરાવવામાં આવેલ ઓફિસનો કબજો પરત કરવા અંગેની માંગણી કરવામાં આવી હતી.