Gujarat

તાંદળજામાં દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોનો વિરોધ

By GS TEAM
15 Jun 20261 min read
તાંદળજામાં દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોનો વિરોધ

શહેરના તાંદળજામાં આવેલા લીમડીફળિયા અને ગરાસિયાવાડમાં છેલ્લા એક વર્ષથી દૂષિત પાણીની સમસ્યાના આક્ષેપ સાથે રહીશોએ આજે એકત્ર થઈ મ્યુનિ. કોર્પોરેશન સામે નારાજગી વ્યક્ત કરી છે.

રહીશોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી અને લોકોને હજુ પણ કાળા રંગનું તથા દુર્ગંધયુક્ત પાણી મળી રહ્યું છે.

એમણે ઉમેર્યું કે પાણીની લાઈનમાં ગટરના પાણી ભળી જતાં નળમાંથી આવતું પાણી ઉપયોગમાં લેવા યોગ્ય રહેતું નથી. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અગાઉ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો આવ્યો નથી અને લોકોને પીવાના પાણી માટે પાણીના જગ ખરીદવાની ફરજ પડી રહી છે.

વધુમાં ઉમેર્યું કે દૂષિત પાણીના કારણે વિસ્તારમાં ચામડીના રોગો ઉપરાંત, ઝાડા-ઉલટીના કેસો આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગે પોતાની જવાબદારી એકબીજા પર ઢોળતા સમસ્યાનો કાયમી ઉકેલ આવી રહ્યો નથી અને તેનો ભોગ સામાન્ય નાગરિકો બની રહ્યા છે.

આગામી આઠ દિવસમાં દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો તેઓ મ્યુનિ. કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓને આ જ દૂષિત પાણી પીવડાવશે તેવી ચીમકી આપી છે.