વડોદરામાં કમાટી બાગ ખાતે બગીચાઓમાં કામ કરતા કર્મચારીઓના દેખાવો : સૂત્રોચ્ચાર કરી સહેલાણીઓને ગુલાબનું ફૂલ આપ્યાં
Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગ ખાતે આજે વિવિધ બાગમાં કામ કરતા કર્મચારીઓએ પોતાની માગણીઓ સંદર્ભે દેખાવો કર્યા હતા અને કામગીરીથી અલિપ્ત રહી હડતાલ પાડી હતી. કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીને પોતાની માગણીઓ સંદર્ભે પ્લે કાર્ડ દર્શાવી લડત શરૂ કરી હતી. બાગમાં આવતા સહેલાણીઓને ગુલાબનું ફૂલ આપી ગાંધીગીરી કરી હતી. તેઓએ બગીચાઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કર્મચારીઓ લાવવાની વિચારણા શરૂ થઈ છે, તે સામે વિરોધ દર્શાવ્યો છે.
સફાઈ કામદાર સંઘર્ષ સમિતિએ જણાવ્યું છે કે અગાઉ 1,200 સફાઈ સેવકોને જે રીતે ન્યાય અપાયો છે, તે રીતે બગીચાઓમાં છેલ્લા 15 વર્ષથી કામ કરતા કર્મચારીઓને ન્યાય મળવો જોઈએ. બીજા વિભાગોમાં માનવ દિન મજુર તરીકે 720 દિવસ પૂરા કરનાર લોકોને રોજમદાર ગણીને ન્યાય અપાયો છે તો બાગના કર્મચારીઓને પણ ન્યાય મળવો જોઈએ, કારણ કે આ લોકોના 2,000 થી વધુ દિવસ થયા છે. માનવ દિન મજૂર તરીકે તેઓ દરેક કામગીરી કરતા આવ્યા છે. અમારી આ વેદના લોકોને ગુલાબનું ફુલ આપીને વ્યક્ત કરી છે. આઉટસોર્સિંગથી બાગમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવવા સામે વિરોધ છે. છેલ્લા 15 વર્ષથી બગીચાઓમાં માળી, સફાઈ કામદાર, એનિમલ કીપર સહિતની વિવિધ કામગીરી કરતા 140 કર્મચારીઓ છે, તેઓને માનવ દિનમાંથી રોજમદાર તરીકે પરિવર્તિત કરવા અમારી માગણી છે. ગાર્ડન શાખામાં 350 થી વધુ જગ્યા ખાલી છે અને આ ખાલી જગ્યામાં 140 કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવતા કોર્પોરેશનને કોઈ આર્થિક નુકસાન થાય તેમ નથી, તો આ ખાલી જગ્યા ભરી દેવી જોઈએ.