કરમસદ-આણંદ મહાપાલિકા નામ સામે વિરોધ કરમસદને સ્વતંત્ર્ય દરજ્જાની માંગ સાથે આંદોલન
- સરદાર પટેલના અસ્તિત્વને જાળવી રાખવા લોકોની લડત
- જન-મતસંગ્રહ હેઠળ હજારો પોસ્ટકાર્ડ લખીને મુખ્યમંત્રીને પોસ્ટ કરાયા આગામી દિવસોમાં ગુજરાતભરમાંથી ટપાલો મોકલીને વિરોધ કરાશે
જાન્યુઆરી ૨૦૨૫થી આણંદ મહાનગરપાલિકાની જાહેરાત બાદ વારંવાર નવા વિવાદો સર્જાયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીની આણંદની બે દિવસની મુલાકાત દરમિયાન સરદાર સાહેબના ઉલ્લેખ બાદ આણંદ જિલ્લાના સ્થાનિક રાજકીય અગ્રણીઓને સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવ્યા હતા અને રજૂઆતથી સરકારે કરમસદ આણંદ મહાનગર પાલિકા નામ જાહેર કર્યું હતું. કરમસદની સરદાર સન્માન સંકલ્પ સમિતિ દ્વારા હજૂ નવા નામનો વિરોધ ચાલુ રાખી કરમસદને સ્વતંત્ર દરજ્જો મળે તેવી માંગ ચાલુ રાખી છે. ત્યારે કરમસદ ગામથી જનમતસંગ્રહ કાર્યક્રમ હેઠળ આજથી કરમસદને સ્વતંત્ર્ય દરજ્જો મળે તે માટે મુખ્યમંત્રીને હજારો પોસ્ટકાર્ડ લખીને પોસ્ટ કરાયા હતા. ત્યારે હવે આગામી દિવસોમાં આણંદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાંથી વિવિધ પક્ષના કાર્યકરો અને સરદાર પટેલના અસ્તિત્વને જાળવી રાખવાના સંઘર્ષમાં સામેલ હજારો લોકો પોસ્ટકાર્ડ લખી મુખ્યમંત્રીને મોકલી વિરોધ દર્શાવશે.