બોરસદ બસ સ્ટેન્ડ પાસે કાંસના નાળાની નીચે સફાઈ ન કરાતા વિરોધ
- કચરાનાં ઢગલાં પાસે જેસીબી જાય તેમ નથી : કાંસ વિભાગ
- ચોમાસામાં પાણી ભરાવાનો ભયઃ સફાઈના બદલે બે દિવસથી દેખાડો કરાતો હોવાનો આક્ષેપ
બોરસદ શહેરના મર્કન્ટાઈલ બેંકની નીચે આવેલા નાળામાં છેલ્લા વર્ષથી સફાઈ થઈ ન હોવાથી કચરાના ઢગલાં જામ્યા હોવાથી ચોમાસામાં પાંચ નાળા, જનતા બજાર, બસ સ્ટેન્ડ સહિત સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી પેસી જતા હોય છે. અત્યારે માટીના ઢગલા, કચરાને કારણે આખો કાંસ ખીચો ખીચ ભરાઈ ગયો છે. વિભાગ દ્વારા આ જગ્યાએ સાફ કરવાને બદલે ત્યાંથી થોડી દુર જેસીબી દ્વારા છેલ્લા બે દિવસથી માત્ર દેખાડો કરવાની કામગીરી થતી હોય તે રીતે સફાઈ કામ શરૂ કરાયું છે. પરંતુ નાળા નીચે ભેગા થયેલો કચરાનો મોટો ઢગલો કાંસ વિભાગ દ્વારા સાફ ન કરાવતા આજે શહેરના નાગરિકો દ્વારા વિરોધ વ્યક્ત કરી નાળા નીચે ભરાયેલા કચરાની સફાઈ કરવા જણાવ્યું હતું. પરંતુ ઉપસ્થિત કર્મચારીઓએ માંગણીને અવગણી બીજી જગ્યાએથી સફાઈનું કામ ચાલુ રાખવામાં આવ્યું હતું.
કાંસ વિભાગની બેદરકારીને કારણે ચોમાસામાં બોરસદની સોસાયટીઓ સહિત શહેરમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જવાના લીધે રહીશોને હાલાકી સાથે લાખો રૂપિયાનું નુકસાન થતું હોવાના આક્ષેપ કરાયા છે. કાંસ વિભાગના અધિકારી ગોહિલે જણાવ્યું હતું કે, હાલ જેસીબી અંદર જઈ શકે તેમ ન હોવાથી ધીમે ધીમે કચરો બહાર કાઢી જેસીબી અંદર લઈ જઈ કાંસ સાફ કરીશું. કચરાને કારણે જીસીબી ને અંદર લઈ જવાની જગ્યા મળતી નથી.
તાલુકાના ગામોમાં કાંસમાં ઝાડી ઉગી નીકળતા ચોમાસામાં હાલાકી
બોરસદ તાલુકાના પામોલ, દહેમી, બોદાલ, દાવોલ, નિસરાયા, અલારસા, ડભાસી, રૂદેલ, વાસણા, સિંગલાવ, વહેરા જેવા સંખ્યાબંધ ગામડાઓમાં વર્ષો જુના વરસાદી કાંસમાં હાલ ઝાડી જોવા મળતા સફાઈનો અભાવ દેખાય છે. ચોમાસામાં ભારે વરસાદમાં પાણી વહન થઈ નહીં શકવાના કારણે ગામડાઓમાં પણ પાણી ભરાઈ જવાની બૂમો ઉઠતી હોય છે.
શહેરના 5 વિસ્તારોમાં કાંસની સફાઈ થઈ જ નથી : રહીશો
શહેરમાં પામોલ રોડ પાસે ૪૦૦ ઘરવાળો કાંસ, પાંચનાળાથી બસ સ્ટેન્ડ સુધીનો કાંસ, પાંચ નાળાથી તોરણા માતા તળાવ સુધી, એચપી ગોડાઉથી ભોભા તળાવ સુધી અને સર્કિટ હાઉસથી મારૂતિ પાર્ક સુધીના મુખ્ય ગણાતા કાંસમાં સફાઈ કામગીરી કરાઈ નહીં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.