- 'બ્લોક-બી' ખનન અટકાવવા આવેદનપત્ર અપાયું
- ગેરકાયદે રસ્તો બનાવી ખોદકામથી 10 ગામના આસ્થાના પ્રતિક સમાન નદીના પટમાં ખાડાં, પર્યાવરણને નુકસાન
ઉમરેઠના અહીમાના ગ્રામજનોએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, મહીસાગર નદીનો પટ માત્ર નદીનો ભાગ નથી, પરંતુ ગામ અને આસપાસના ૧૦ ગામો માટે આસ્થાનું પ્રતિક અને જીવનરેખા સમાન છે. આ પટ પર મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં પૂજા-અર્ચના કરવામાં આવે છે. ઉપરાંત, દશામાંની તેમજ ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન પણ અહીં કરવામાં આવે છે. આ જગ્યા આસપાસના ગામોમાંથી આવતા લોકો માટે એકઠા થવા (મેળાવડા)નું સ્થળ છે. પટ ઉપર ૧૦ ગામોનું સ્મશાન પણ આવેલું છે અને તે ગામનો મુખ્ય નાવા-ધોવાનો આરો (જળાશય) પણ છે.
મહીસાગર નદીનામાં ખનન પ્રવૃત્તિને કારણે નદીના પટમાં મોટા-મોટા ખાડા પડી ગયા છે. ખાડાઓના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે. આ પટ લોકો માટે સુરક્ષિત છે, પરંતુ જો ખોદકામ ચાલુ રહેશે, તો લોકોના જીવ જવાની ગંભીર સ્થિતિ ઊભી થઈ શકે છે. નદીમાં ગેરકાયદે રસ્તો બનાવીને સાદી રીતે ખનન કરવામાં આવી રહ્યું છે. જે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે.આસ્થાનું પ્રતિક અને સુરક્ષા સાથે સંકળાયેલા આ પટ પર થતું ખોદકામ સદંતર અટકાવવામાં આવે, જેથી લોકોના જીવ બચે અને આસ્થાના પ્રતિક સમી આ જગ્યા પણ બચેલી રહે તેવું ગ્રામજનોએ જણાવ્યું છે.


