Get The App

ગાંધીનગરમાં જ્ઞાન સહાયક ભરતી યોજનાનો વિરોધઃ ધરણાં કરી રહેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારોની અટકાયત

જ્ઞાન સહાયકોની ભરતી થશે તો રાત દિવસ મહેનત કરીને ટેટ અને ટાટ પાસ કરેલ ઉમેદવારો રખડી પડશે

કાયમી ભરતી માટે અનેક રજૂઆતો કરી પણ સરકાર આંખ આડા કાન કરી રહી છેઃ પ્રદર્શનકારીઓનો આક્ષેપ

Updated: Sep 5th, 2023

GS TEAM


Google News
Google News
ગાંધીનગરમાં જ્ઞાન સહાયક ભરતી યોજનાનો વિરોધઃ ધરણાં કરી રહેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારોની અટકાયત 1 - image



ગાંધીનગરઃ રાજ્ય સરકારે જાહેર કરેલી જ્ઞાન સહાયક યોજનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોના ભવિષ્ય સામે ખતરો હોવાથી સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. ગાંધીનગર ખાતે જ્ઞાન સહાયક યોજનાના વિરોધ તેમજ કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ધરણાં યોજ્યા હતાં.પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.આજે શિક્ષક દિવસે જ શિક્ષકો સામે કાયદાનો કોરડો ઉગામતાં સરકાર સામે પણ સવાલો ઉભા થયાં છે. 

જ્ઞાન સહાયક ભરતીનો ભારે વિરોધ કરવામાં આવ્યો

ગુજરાત સરકાર દ્વારા 11 માસના કરાર આધારિતની જ્ઞાન સહાયક ભરતીનો ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોએ ભારે વિરોધ કર્યો હતો. તેમણે માંગ કરી હતી કે, સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવે. રાજ્યમાં છેલ્લા 5 વર્ષથી ટેટ અને ટાટની પરીક્ષાનું આયોજન કરાયું નથી. જોકે 2023માં સરકારે ભરતીની જાહેરાત તો કરી પરંતુ જ્ઞાન સહાયકોને કરાર આધારિત 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લેવામાં આવી રહ્યા છે. જેના વિરોધમાં આજે ઠેર-ઠેરથી આવેલા યુવાનો દ્વારા ગાંધીનગરમાં એકઠા થઈ ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.

ઉમેદવારોની ટીંગાટોળી કરીને અટકાયત કરાઈ

ધરણાં કરી રહેલા ઉમેદવારોએ મીડિયાને જણાવ્યું હતું કે, ટેટ અને ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોના હિતમાં કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ વહેલામાં વહેલી તકે કાયમી શિક્ષકોને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે. રાજય શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક ભરતીના કારણે અગાઉ ટેટ ટાટ પાસ કરેલ વિધાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. આ જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલાય વર્ષોથી રાત દિવસ મહેનત કરીને ટેટ ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઇ જશે અને તેમનું ભાવિ અંધકારમય બની જશે.પોલીસ દ્વારા પ્રદર્શનકારી ઉમેદવારોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. 

Tags :