બાગોમાં કોન્ટ્રાકટ પધ્ધતિથી કર્મચારીઓ લાવવા સામે વિરોધ
સંઘર્ષ સમિતિ દ્વારા લડતનું એલાન : ૨૧મીએ ફૂલ આપી વિરોધ; ૨૩મીએ કામ બંધ કરાશે
વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના બગીચાઓમાં કોન્ટ્રાકટ પધ્ધતિથી કર્મચારીઓ લાવવાની વિચારણા શરૃ થઇ છે, તેના વિરોધમાં સફાઇ કામદાર સંઘર્ષ સમિતિ દ્વારા લડત શરૃ કરવાનું નક્કી કરાયું છે.
તા.૨૧ના રોજ સયાજીબાગમાં આવતા અધિકારીઓ અને નગરજનોને ફુલ આપીને પોતાની વેદના રજુ કરવામાં આવશે. તા.૨૨ના રોજ દરેક કર્મચારી કાળીપટ્ટી બાંધી વિરોધ દર્શાવશે, અને તારીખ ૨૩ના રોજ તમામ બાગમાં કામગીરી બંધ કરી દેવાશે, તેવી ચીમકી આપવામાં આવી છે. સમિતિના પ્રમુખના જણાવ્યા મુજબ કોર્પોરેશનની પાર્કસ એન્ડ ગાર્ડન શાખા દ્વારા કોન્ટ્રાકટ પધ્ધતિ લાવવાનું નક્કી થઇ રહ્યું છે, પરંતુ બગીચાઓમાં છેલ્લા ૧૫ વર્ષથી માળી, સફાઇ કામદાર, એનિમલ કીપર સહિતની વિવિધ કામગીરી કરતા ૧૪૦ કર્મચારીઓ છે, તેઓને માનવ દિનમાંથી રોજમદાર તરીકે પરિવર્તિત કરવા અમારી માગણી છે.
ગાર્ડન શાખામાં ૩૫૦થી વધુ જગ્યા ખાલી છે અને આ ખાલી જગ્યામાં ૧૪૦ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવતા કોર્પોરેશનને કોઇ આર્થિક નુકસાન થાય તેમ નથી, તો આ ખાલી જગ્યા ભરી દેવી જોઇએ. તેઓની માગણી અંગે કોર્પોરેશનમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. દરમિયાન ડેપ્યુટી મેયરએ આ મુદ્દે જણાવ્યું હતું કે આ મુદ્દે શું થઇ શકે તેમ છે તે માટે તમામ પદાધિકારીઓ સાથે બેસી નિર્ણય લેવાશે.