Get The App

કર્નલ સોફિયા કુરેશી માટે કરેલી ધૃણાસ્પદ ટિપ્પણીના વિરોધમાં તાંદલજામાં દેખાવો

Updated: May 14th, 2025

GS TEAM


Google News
Google News
કર્નલ સોફિયા કુરેશી માટે કરેલી ધૃણાસ્પદ ટિપ્પણીના વિરોધમાં તાંદલજામાં દેખાવો 1 - image

વડોદરાઃ ભારતીય સશસ્ત્ર દળોએ હાથ ધરેલા ઓપરેશન સિંદૂરની જાણકારી દેશને આપનાર વડોદરાના ગૌરવ સમાન કર્નલ સોફિયા કુરેશી સામે બે દિવસ પહેલા મધ્યપ્રદેશની ભાજપ સરકારના મિનિસ્ટર વિજય શાહે કરેલી વિવાદાસ્પદ અને અત્યંત વાંધાજનક ટિપ્પણીથી  ભારે વિવાદ સર્જાયો છે.

કર્નલ કુરેશીને મિનિસ્ટર વિજય શાહે આતંકવાદીઓની બહેન ગણાવ્યા હતા તેમના ધૃણાસ્પદ નિવેદન પર  ચારે તરફથી ફિટકાર વરસી રહ્યો છે.મધ્યપ્રદેશ હાઈકોર્ટે આજે તેમની  સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે.બીજી તરફ કર્નલ સોફિયાનો પરિવાર જ્યાં રહે છે તે તાંદલજા વિસ્તારમાં પણ મિનિસ્ટર  વિજય શાહ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.આજે સ્થાનિક લોકોએ આ વિસ્તારમાં  દેખાવો કર્યા હતા અને મિનિસ્ટર વિજય શાહની ધરપકડ કરવાની  માગ કરી હતી.યુવાનોએ ..દેશ કી બેટી કા અપમાન, નહી સહેગા હિન્દુસ્તાન.., વિજય શાહ શરમ કરો...જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિજય શાહના પોસ્ટરો પણ સળગાવ્યા હતા.

દરમિયાન વાતાવરણ ઉગ્ર બનતા પોલીસે ત્રણ યુવાનોની અટકાયત કરી હતી.જેમને પાછળથી છોડી મૂકાયા હતા.સ્થાનિક લોકોનું કહેવું હતું કે, અમે તો શાંતિપૂર્વક દેખાવો કરીને મિનિસ્ટરની ધરપકડની માગ કરી રહ્યા હતા અને પોલીસ અમને જ પકડીને લઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, કર્નલ સોફિયાના પિતા અને દાદા પણ ભારતીય સેનામાં હતા.સોફિયાના પિતા તાજમહોમ્મદ કુરેશી તેમજ તેમના ભાઈ, ભાભી અને માતા તાંદલજા વિસ્તારમાં રહે છે.તેમનો પરિવાર ૧૯૮૧થી વડોદરામાં સ્થાયી થયો છે.

આખો અમારી દેશ સાથે છે, પરિવારનો બીજી કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈનકાર 

કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનોમાં મધ્યપ્રદેશની ભાજપ સરકારના મિનિસ્ટરની ટિપ્પણીને લઈને સ્વાભાવિક રીતે નારાજગી હોય પરંતુ આજે સોફિયાના ભાઈ મહોમ્મદ કુરેશીએ આ બાબતે કોઈ પણ જાતની ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો.તેમણે સાથે સાથે એટલું જ કહ્યું હતું કે, આખો દેશ એક છે અને કર્નલ સોફિયાની સાથે છે પરંતુ જે પણ વિવાદ છે તે બાબતે અમારે મહેરબાની કરીને કોઈ વાત કરવી નથી.

Tags :