Gujarat

આણંદની એપીએમસી સામે સ્લોટર હાઉસની ચીમનીનો ભઠ્ઠો બનતા વિરોધ

By GS TEAM
26 Nov 20252 mins read
આણંદની એપીએમસી સામે સ્લોટર હાઉસની ચીમનીનો ભઠ્ઠો બનતા વિરોધ

- મનપા કમિશનરને લેખિતમાં આવેદન આપી રજૂઆત 

- અંદાજિત 25 લાયસન્સ હોવા છતાં 200 થી વધુ જગ્યાએ પશુઓની કતલ થતી હોવાનો આક્ષેપ 

આણંદ : આણંદ મનપા વિસ્તારમાં સામરખા ચોકડીએ હિન્દુ વિસ્તારમાં બની રહેલા ઈન્સીનરેટર મશીન, ચીમની બનતા હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરાઇ રહ્યો છે. તેમજ અંદાજિત ૨૫ લાયસન્સ હોવા છતાં ૨૦૦થી વધુ જગ્યાએ પશુઓની કતલ થતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ મામલે હિન્દુ સંગઠનો દ્વારા મનપા કમિશનરે આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે. 

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના કમિશનરને આપેલ લેખિત આવેદનપત્રણાં જણાવાયું હતું કે, કરમસદ આણંદ મહાનગરપાલીકા વિસ્તારમાં આવેલા સલાટીયાપુરા ભાથીજી મંદીર, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અલમન્નાન રેસિડન્સી, પ્લેટીનીયમ સિટી વિસ્તારમાં ઈન્સીનરેટર મશીન તથા ગેરકાયદેસર માંસ મટનના નિકાલ માટેની જગ્યા સિટી સર્વે નં. ૨૭૯૪માં બનાવવામાં આવી રહી છે. 

સરકારના નિયમ મુજબ રહેણાંક વિસ્તારના ૫૦૦ મીટરની અંદર કોઈપણ ઈન્સીનેટર ન બનાવી શકાય જેને ધ્યાને લીધા વગર વિસ્તારમાં આ કતલખાનું તથા ઈન્સીનેટર બની રહ્યું છે. આ જગ્યા પાસે ૨૦૦ મીટર નજીક આણંદ જિલ્લાનં સૌથી મોટુ શાકમાર્કેટ આવેલું છે. જેથી માંસ મટન અને વેસ્ટ ઉપર બેઠેલી માંખી-મચ્છર અને આ કતલખાનામાં નાશ કરવામાં આવતા ઘુમાડો ચીમની મારફતે શાકભાજીમાં ચોટશે તો આરોગ્ય પર અસર થશે, તેવી રજૂઆત કરાઈ હતી. તેમજ સીપીસીબી, જીપીસીબી ગાઈડ લાઈનનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું પણ જણાવાયું હતું. આ મામલે બે દિવસમાં નિરાકરણ નહીં આવે તો હિન્દુ સંગઠનો દ્વારા આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ચીમનીની ઊંચાઈ 25 ફૂટથી વધુ હોવાથી ધુમાડો ઊંચે જતો રહેશે : મનપા ડેપ્યુટી કમિશનર 

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, સ્લોટર હાઉસમાં બનાવવામાં આવેલી ચીમનીની ઊંચાઈ ૨૫ ફૂટથી વધુ છે. જેથી વેસ્ટ કચરાનો ધુમાડો ખૂબ જ ઊંચે જતો રહેશે અને પ્રદૂષણની સમસ્યા સર્જાશે નહીં. મનપાએ જૂની જે જગ્યા હતી ત્યાં જ સ્લોટર હાઉસ ફાળવેલું છે.

4 ગુંઠામાં શેડ અને પતરા પાછળ 1.02 કરોડનો ખર્ચ  ?

મનપા દ્વારા ચાર ગુંઠા જમીનમાં માત્ર શેડ અને પતરાં મારવા માટે રૂપિયા ૧.૦૨ કરોડના ખર્ચનું ટેન્ડર બહાર પાડયું હતું અને રાજકોટના દિવ્યેશ બિલ્ડરને કામ સોંપેલું છે. નગરજનોએ જણાવ્યું મુજબ, આ કામ અંદાજિત ૪૦થી ૫૦ લાખનું જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેથી ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે.

અગાઉ પાલિકાએ વોર્ડ ત્રણમાં સ્લોટર હાઉસ મંજૂર કર્યું હતું

વર્ષો અગાઉ આણંદ નગરપાલિકા દ્વારા જુના વોર્ડ નં. ત્રણમાં આવેલી પાલિકાની ૧૦૦ ગુંઠા જગ્યામાં સ્લોટર હાઉસ મંજૂર પણ કર્યું હતું. મુસ્લિમ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે જગ્યા મંજૂર કરાઈ હોવા છતાં સ્થાનિક લોકોનો વિરોધ થતા કામ બંધ રાખવામાં આવ્યું હતું.