વડોદરાના છાણીમાં 500 જેટલા પરિવારોના પાણી માટે વલખાં : છેલ્લા 7 દિવસથી પાણી માટે વલખાં મારતા રહીશોએ હોબાળો મચાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Water Shortage :વડોદરાના છાણી વિસ્તારમાં આવેલ એકતાનગર સોસાયટીમાં છેલ્લા સાત દિવસથી પીવાનું પાણી ન મળતા રોષે ભરાયેલા રહીશોએ આજે પાણીની ટાંકી ખાતે ઘસી જઈ ભારે હોબાળો મચાવી ચૂંટણી અને વેરાના બહિષ્કારની ચીમકી આપી હતી.
વડોદરાના વોર્ડ નં. 2માં સમાવિષ્ટ છાણી જકાતનાકા પાસે આવેલ એકતાનગર સોસાયટીના રહીશોએ પાણીની સમસ્યાથી કંટાળી આજે છાણી જકાતનાકા પાણીની ટાંકી ખાતે ઘસી જઈ ભારે હોબાળો મચાવ્યો હતો. "પાણી આપો" ના સૂત્રોચ્ચાર સાથે કાઉન્સિલર અને કોર્પોરેશનના અધિકારીઓ સામે નારાજગી દર્શાવી હતી. એક તરફ રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે. તો બીજીતરફ પાણીની ટાંકી ખાતે પાણીની લાઈનમાં ભંગાણથી પાણીનો વેડફાટ નજરે ચડ્યો હતો. રહીશોનું કહેવું હતું કે, અમારી સોસાયટીમાં છેલ્લા છ વર્ષથી અવારનવાર પાણી અપૂરતા પ્રમાણમાં અને દૂષિત મળવાની સમસ્યા છે, તેમાંય છેલ્લા સાત દિવસથી તો ટીપુંય પાણી મળી રહ્યું નથી, જેના કારણે , સોસાયટી અને આસપાસના અંદાજે 500 જેટલા પરિવારો હાલાકી ભોગવી રહ્યા છે, અમારી સોસાયટી મહિલા કાઉન્સિલરે દત્તક લીધી હતી, પરંતુ અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ લાવી રહ્યા નથી, કોર્પોરેશનના અધિકારીઓ પણ સમસ્યાનો ઉકેલ લાવવાના સ્થાને છટકબારી શોધે છે.









