Gujarat

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં મકાનમાં દેહવ્યાપારની પ્રવૃતિનો પર્દાફાશ

By GS TEAM
22 Jun 20252 mins read
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં મકાનમાં દેહવ્યાપારની પ્રવૃતિનો પર્દાફાશ

- મકાનમાં પોલીસે દરોડો પાડતા દોડધામ

- રોકડ, મોબાઇલ સહિત 82 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત, મુખ્ય આરોપી સહિત 4 સામે ફરિયાદ

નડિયાદ : નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા દેહવ્યાપારના ધંધા પર પોલીસે છાપો માર્યો છે. એક વ્યકિત બહારથી મહિલાઓને દેહવ્યાપાર માટે બોલાવતો હતો. નડિયાદ પશ્ચિમ પોલીસે આ બનાવામાં મુખ્ય આરોપી સહિત ત્રણ ગ્રાહકો સહિત ૪ સામે પોલીસ ફરિયાદ નોધાવી છે.

નડિયાદ પશ્ચિમ પોલીસે બાતમીના આધારે ઝલક રીંગ રોડ પર ઈન્દિરાનગરી પાસે આવેલા વિશાલ સોસાયટીના મકાન નંબર ૨૦માં દરોડો પાડયો હતો. અહીંયા રહેતો હેમલ ઉર્ફે ભયલુ શાહ આ મકાનમાં બહારથી મહિલાઓને લાવી દેહવ્યાપારનો ધંધો કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે અહીંયાથી આ હેમલ ઉર્ફે ભયલુને ઝડપી લીધો હતો. મકાનમાં તપાસ કરતા બે અલગ અલગ રૂમમાંથી બે રૂપલ્લાઓ મળી આવી હતી અને તેની સાથે ત્રણ ગ્રાહકો પણ મળી આવ્યા હતા. પોલીસે પુછતા સાગર પટેલ, જીતેન્દ્ર દેસાઈ અને યશ પટેલનો સમાવેશ થાય છે. પોલીસે હેમલ ઉર્ફે ભયલુની પુછપરછ કરતા તેણે કહ્યું કે, બહારથી મહિલાઓને બોલાવી આ દેહવ્યાપારનો ધંધો કરવામાં આવતો હતો અને ગ્રાહકના વ્યકિત દીઠ ૧ હજાર રૂપિયા વસૂલતો હતો. પોલીસે રોકડ નાણાં અને મોબાઇલ નંગ ૬ મળી કુલ રૂપિયા ૮૨,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે અને હેમલ ઉર્ફે ભયલુ શાહ તેમજ ત્રણ ગ્રાહકો મળી કુલ ૪ સામે પોલીસે અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.