સાગઠિયા સામે મની લોન્ડરિંગની પ્રોસિક્યુશનની કાર્યવાહીને મંજૂરી
રાજકોટના અગ્નિકાંડના જેલ હવાલે રહેલા આરોપી, પૂર્વ TPO : 1 વર્ષથી આરોપી જેલમાં : અગ્નિકાંડમાં ગુનાહિત બેદરકારી, રેકર્ડ સાથે ચેડાં, કરોડોની બેનામી સંપત્તિ સહિત 3 ગુનાઓ
રાજકોટ, : રાજકોટ મહાનગર પાલિકામાં 10 વર્ષ સુધી ઈન્ચાર્જ અને બાદમાં વહીવટી-ચૂંટાયેલી પાંખ દ્વારા નિમણુક અપાતા ટી.પી.ઓ. તરીકે કામગીરી કરનાર મનસુખ સાગઠીયાની ગત તા.25-5-2024 ના ગુજરાતમાં હાહાકાર મચાવનાર અગ્નિકાંડમાં ધરપકડ થઈ હતી. આ આરોપી સામે મની લોન્ડરિંગનો ગુનો બનતો હોય. પ્રોસીક્યુશનની કાર્યવાહી માટે નિયમોનુસાર મંગાયેલી મંજુરીને આજે મનપાની સ્થાયી સમિતિએ બહાલ રાખી છે.
આરોપી મનસુખ ધનજીભાઈ સાગઠીયા વિરૂધ્ધ ટી.આર.પી. ગેમઝોનના ગેરકાયદે બાંધકામને જાણવા છતાં તોડી નહીં પાડીને 27 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડમાં ગુનાહિત બેદરકારી ખુલતા તેની રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક વર્ષ પહેલા ધરપકડ કરાઈ હતી અને ત્યારથી તે જેલ હવાલે છે. જામીન અરજી નામંજુર થયેલ છે. ઉલ્લેખનીય છે કે તેની પાસેથી મળેલા કરોડો રૂા. કોની કોની પાસેથી ક્યા પ્રકારનો ભ્રષ્ટાચાર કરવા લેવાયેલા હતા તે નામો હજુ બહાર આવેલ નથી.
આ ઉપરાંત આ પૂર્વ ટી.પી.ઓ. પાસેથી 18 કરોડની, આવક કરતા 6 ગણી વધારે સંપત્તિ મળી હતી અને તે અન્વયે એ.સી.બી. પોલીસે પણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તેના વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી અને એફ.આઈ.આર. 3-2024 નોંધાઈ હતી. તેની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ-2002ની ક. 44 હેઠળ સ્પે.કોર્ટ સમક્ષ પ્રોઝીક્યુશન ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ હોય. તે અન્વયે સાગઠીયા વિરૂધ્ધ મની લોન્ડરિંગની કાર્યવાહી કરવા પ્રોસીક્યુશનની મંજુરી માટે શહેરી વિકાસ મંત્રાલયના પત્રથી મનપાને જાણ કરાઈ હતી. જે અન્વયે આજે મનપાની સ્થાયી સમિતિમાં તેને સર્વાનુમતે મંજુરી અપાયેલ છે. ઉલ્લેખનીય છે કે ટી.પી.ઓ.ની જગ્યા ક્લાસ-1 હોય તેની નિમણુક મહાનગર પાલિકાના જનરલ બોર્ડને હોય છે. જે અન્વયે સ્થાયી સમિતિના આ ઠરાવને સામાન્ય સભામાં પણ મંજુરી આપવાની કાર્યવાહી કરાશે.