સફેદ માટીનું ગેરકાયદે ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી કરવા રજૂઆત
મૂળી તાલુકાના દુધઈની સીમમાં
દુધઈ ગ્રામ પંચાયત દ્વારા ચોટીલા પ્રાંત અધિકારીને સ્થળ પર માપણી કરી દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલ તેમજ સફેદ માટીનું ખનન થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે મુળીના દુધઈ ગામે ગેરકાયદેસર થતું સફેદ માટીનું ખનન કરનાર સામે કડક કાર્યવાહી તેમજ માપણી કરી દંડ ફટકારવામાં આવે તેવી માંગ સાથે દુધઈ ગ્રામ પંચાયત દ્વારા ચોટીલા પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરી છે.
આ અંગેની રજૂઆતમાં જણાવ્યા મુજબ, મુળી તાલુકાના દુધઈ ગામની સીમમાં નદી કાંઠે ગઢડાના સીમાડા બાજુ રાત્રિના સમયે ભુમાફીયાઓ દ્વારા મોટાપાયે સફેદ માટીનું ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે. જે અંગે અગાઉ પણ દુધઈ ગ્રામ પંચાયત દ્વારા મુળી મામલતદાર તેમજ જિલ્લા ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆત કરી હતી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
તેમજ દુધઈમાં સરકારી જમીનમાં અંદાજે ૫૦૦ ટ્રક હિટાચી મશીન અને ડમ્પરો દ્વારા અત્યાર સુધીમાં સફેદ માટીનું ગેરકાયદેસર ખનન કરી મોરબી સીરામીક સુધી અંદાજે ૨૦,૦૦૦ ટન ખનીજનું ખનન કરી તેનું વહન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. આથી ખોદકામવાળી જગ્યાએ માપણી કરી ગેરકાયદેસર ખનન કરનાર શખ્સો સામે દંડાત્મક કાર્યવાહી સાથે સાથે ફોજદારી કેસ પણ દાખલ કરવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરી છે.