વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 570 કર્મચારીઓ કાયમી કરવાની દરખાસ્ત કોર્પોરેશનના એજન્ડા પર લીધી
Vadodara Education Committee : વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના 570 કર્મચારીઓએ કાયમી કરવાની માંગ સાથે અગાઉ 21 દિવસ હડતાલ પાડી હતી અને આ પ્રશ્ન અંગે કોર્પોરેશનની સમગ્ર સભામાં મંજૂરી માટે નિર્ણય લેવાની ખાતરી આપતા હડતાલ મુલતવી રાખી હતી. કોર્પોરેશનમાં તા. 17 ના રોજ સમગ્ર સભા મળવાની છે, જેમાં કર્મચારીઓના મુદ્દે એજન્ડા પર દરખાસ્ત ચડાવવામાં આવી છે.
આ દરખાસ્તમાં શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ અને બાલવાડીઓ તેમજ કચેરીમાં તા.3-3-1992 થી ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓના પ્રોબેશન પિરિયડ દૂર કરવા લેબર કોર્ટનો ફેબ્રુઆરી 2019ના આવેલા ચુકાદાનો અમલ કરવા શિક્ષણ સમિતિએ કરેલા ઠરાવ અંગે તા.9-6-2020 અન્વયે શાસનાધિકારીએ કરેલી ભલામણને મંજૂરી આપવા જણાવ્યું છે. ગઈ તારીખ 25 જૂનના રોજ હડતાલ પર ઉતરેલા કર્મચારીઓના સંઘને શહેર ભાજપ સંગઠન દ્વારા હવે પછી કોર્પોરેશનની મળનારી સમગ્ર સભામાં મંજૂરી માટે નિર્ણય લેવાશે તેવી ખાતરી આપી હતી, જેના પગલે હડતાલ મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો. શિક્ષણ સમિતિના કર્મચારીઓનું 33 વર્ષથી આંદોલન ચાલુ છે, અને હવે દરખાસ્ત સમગ્ર સભાના એજન્ડા પર આવતા સંઘે પણ ખુશી વ્યક્ત કરી છે.