જામનગરના પ્રદર્શન મેદાનમાં હંગામી એસ.ટી.બસ સ્ટેશન માટે બાંધકામની જગ્યા વધારવા રજૂઆત
Jamnagar : જામનગરના વર્તમાન જર્જરિત એસ.ટી.ડેપોના સ્થળે અદ્યતન બસ પોર્ટ બનાવાવમાં આવશે અને આ બસ ડેપોના વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા એસ.ટી.નિગમની માંગણી મુજબ હંગામી બસ સ્ટેશન માટે પ્રદર્શન મેદનમાં 10 હજાર ચો.મીટરની જગ્યા ફાળવવામાં આવી છે, અને નિગમ દ્વારા હંગામી બસ સ્ટેશન બનાવવાની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી છે. પરંતુ આ હંગામી બસ સ્ટેશનનું બાંધકામ જરૂરીયાત કરતાં બહુ જ નાનું હોવાથી ભવિષ્યમાં મુસાફરો તેમજ કર્મચારીઓને અગવડ ન પડે તે માટે એસ.ટી.નિગમના ત્રણેય માન્ય યુનિયન કર્મચારી મંડળ, એસ.ટી. વર્કસ ફેડરેશન અને એસ.ટી.મઝદુર સંઘની સંકલન સમિતિ દ્વારા વિભાગીય નિયામકને પત્ર લખી બાંધકામની જગ્યા રાજકોટ, ભાવનગરના હંગામી બસ સ્ટેશન જેટલી કરવા રજૂઆત કરવામાં આવી છે.
આ ઉપરાંત તેમના પત્રમાં જણાવ્યા અનુસાર આ હંગામી બસ સ્ટેશનનું બાંધકામ વર્તમાન બસ સ્ટેશનની તુલાનામાં માત્ર ચોથા જ ભાગનું છે, જેથી ઉનાળાની ગરમી અને ચોમાસાના વરસાદી વાતાવરણમાં આ હંગામી બસ સ્ટેશન નાનુ હોય ધક્કા મુક્કિ થાય કે કોઇ અઘટિત બનાવ બનવાની દહેશત સાથે વિદ્યાર્થી પાસ કાઉન્ટર તેમજ રિર્ઝવેશન કાઉન્ટર પણ બંન્ને બાજુ-બાજુમાં હોવાથી ભવિષ્યમાં પ્રવાસીઓ અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ ન સર્જાય તે માટે બન્ને વચ્ચે અંતર રાખવા રજૂઆત કરવામાં આવી છે.