સુરત પાલિકાની સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ મેળવવા બોગસ સર્ટિફિકેટ આપનાર એજન્સી સામે પોલીસ ફરિયાદ કરવા દરખાસ્તમાં ભલામણ
Surat Corporation : સુરત પાલિકામાં વાર્ષિક 42 કરોડનો સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ગત વખતે ઈજારદારોએ રીંગ બનાવી એક સરખા ભાવ ભર્યા હતા જ્યારે હાલમાં આ મલાઈદાર કોન્ટ્રાક્ટ મેળવવા માટે ત્રણ એજન્સીએ મલાઈદાર સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ મેળવવા પાલિકા અને સરકારના ખોટા સર્ટિફિકેટ આપનાર સામે પોલીસ ફરિયાદ કરવા વિભાગ દ્વારા ભલામણ કરવામાં આવી હોય તે પ્રકારની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. પ્રક્રિયા દરમિયાન પાલિકાની ભુલના કારણે એક એજન્સી ડીસક્વોલિફાય થઈ છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
પાલિકાનો સિક્યુરિટી મલાઈદાર કોન્ટ્રાક્ટ મેળવવા માટે એક બે નહી પરંતુ ત્રણ ત્રણ એજન્સીએ બોગસ પુરાવા રજુ કર્યા હોવાની ફરિયાદ થઈ હતી. આ ફરિયાદ બાદ તપાસ કરતા ફરિયાદ સાચી હોવાનું બહાર આવ્યું હતું. પાલિકાએ સિક્યુરીટીના કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યા હતા તેમાં 23 એજન્સીના ટેન્ડર આવ્યા હતા. જેમાં 9 એજન્સી ક્વોલિફાઈ થઈ હતી. ક્વોલિફાય થયેલી 9 પૈકી 3 એજન્સીએ બોગસ ડોક્યુમેન્ટના આધારે શ્રમ વિભાગના લાયસન્સ રીન્યુ કર્યા હતા. જેમાં મ.કે. સિકયુરીટી, શક્તિ સિક્યુરિટી અને શક્તિ પ્રોટેક્શન ફોર્સ પ્રા. લી. સામે બોગસ ડોક્યુમેન્ટને આધારે લાયસન્સ મેળવ્યા ફરિયાદ સાબિત થઈ છે.
હાલમાં સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. તેમાં સુરત પાલિકા અને શ્રમ વિભાગ સાથે છેતરપિંડી કરી બોગસ પુરાવા રજુ કરનાર ત્રણ એજન્સી સામે પોલીસ ફરિયાદ કરવા માટે પણ દરખાસ્તમાં ઉલ્લેખ કરવામા આવ્યો છે. આ દરખાસ્ત પર સ્થાયી સમિતિ શુક્રવારે નિર્ણય કરશે. આ ઉપરાંત પાલિકાની ભુલના કારણે એક એજન્સી ડીસક્વોલીફાઈ થઈ છે તેના માટે નવો વિવાદ ઉભો થયો છે. શિવ સિક્યુરિટી સર્વિસના ડીસક્વોલીફાઈ થઈ છે. તેમાં પાલિકાના વિભાગ દ્વારા આપવામાં આવેલા અભિપ્રાયમાં 2022 થી 2025 સુધી ના કામના અનુભવને બદલે 2027 પાલિકા દ્વારા લખાયું છે. આ ભુલ પાલિકાની હોવાથી એજન્સી કોર્ટમાં જાય કે સ્થાયી સમિતિ નિર્ણય કરે તે અંગે અનેક અટકળો થઈ રહી છે.