અમદાવાદ-લખનૌ, સાબરમતી-વારાણસી ટ્રેનને ભાવનગર સુધી લંબાવવા દરખાસ્ત
- ભાવનગર-સુરત અઠવાડિયામાં 6 દિવસ વંદે ભારત ટ્રેન શરૂ કરવા અને
- ગેજ કન્વર્ઝન થઈ જતા લાંબા અંતરની ટ્રેન બોટાદ-ગાંધીગ્રામ રૂટ પર ચલાવવા માટેની દરખાસ્ત પણ વડી કચેરીને મંજૂરી અર્થે મોકલાઈ
આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર તાજેતરમાં મળેલી રેલવે સલાહકાર સમિતિની બેઠકમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના નિયુક્ત પ્રતિનિધિએ રેલવેના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા અને નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. જે સંદર્ભે રેલવે પ્રશાસન દ્વારા જણાવાયું હતું કે, ભાવનગર-સુરત અઠવાડિયામાં છ દિવસ વંદે ભારત ટ્રેન શરૂ કરવા માટેની દરખાસ્ત વાણિજ્ય વિભાગ દ્વારા તૈયાર કરી મંજૂરી અર્થે વડી કચેરીને મોકલી આપવામાં આવી છે. આ ઉપરાંત, ભાવનગર-ઉધના અઠવાડિયામાં ૨ દિવસ ચલાવવા માટે દરખાસ્ત કરાઈ છે. ભાવનગર-દિલ્હી સરાઈ રોહિલ્લા ટ્રેન ચાલુ રાખવા માટે વડી કચેરી સાથે પત્ર વ્યવહાર કરાયો છે. ભાવનગરથી દહેરાદૂન અને ઋષિકેશની સાપ્તાહિક ટ્રેન માટેની દરખાસ્ત પણ હેડક્વાર્ટરને કરાઈ છે.
ભાવનગરથી ચાલતી લાંબા અંતરની ટ્રેન વાયા સુરેન્દ્રનગર થઈને ચાલે છે તેના કારણે કિમતી સમય અને ઈંધણનો વ્યય થાય છે. હવે બોટાદ-ગાંધીગ્રામ બ્રોડગેજ લાઈન તૈયાર હોવાથી લાંબા અંતરની ટ્રેન બોટાદ-ગાંધીગ્રામ રૂટ પર ચલાવવી જોઈએ તેવી રજૂઆત સંદર્ભે જણાવાયું હતું કે, લાંબા અંતરની કેટલીક ટ્રેન બોટાદ-ગાંધીગ્રામ રૂટ પર ચાલે તે માટેની દરખાસ્ત પણ વડી કચેરીને મંજૂરી અર્થે મોકલી આપવામાં આવી છે.