સુરેન્દ્રનગરમાં રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણીનો નિકાલ કરવા રજૂઆત
- પાઈપલાઈન અને ચેમ્બરોની સફાઈ હાથ ધરવા માંગ
- વર્ષો પહેલા નાખવામાં આવેલી પાઈપલાઈન અને ચેમ્બરોમાં કચરો ફસાતા સ્થિત સર્જાઇ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં આવેલ રાજ હોટલ પાસેના રેલ્વે અંડરબ્રીજમાં છેલ્લા ઘણા વર્ષોથી દર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહનચાલકો સહિત લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે સામાજીક સંસ્થા દ્વારા મનપા કમિશનર તેમજ કલેકટરને લેખિત રજૂઆત કરી અંડરબ્રિજમાં ભરાતા પાણીનો કાયમી નિકાલ કરવાની માંગ કરી છે.
રાજ હોટલ પાસે આવેલા રેલવે અંડરબ્રિજમાં છેલ્લા બે-ત્રણ વખતથી વરસાદ પડતા જ પાણીના નિકાલના અભાવે વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. તેમજ ભારે વરસાદ દરમિયાન અંડર બ્રિજને આડસ મુકી વાહન વ્યવહાર બંધ કરવાની નોબત આવે છે. વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે અંડરબ્રિજથી ભોગાવો નદી સુધી પાઈપલાઈન નાંખીને થોડા થોડા અંતરે ચેમ્બરો બનાવી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. આથી તે સમયે પાણીનો નિકાલ સહેલાઈથી થતો હતો અને ચાલુ વરસાદમાં પણ અંડરબ્રીજમાંથી વાહન વ્યવહાર શરૂ રહેતો હતો પરંતુ હાલ વરસાદ પડતા જ રેલ્વે અંડરબ્રીજમાં પાણી ભરાઈ રહેતા વાહન વ્યવહાર માટે અંડરબ્રીજને સંપૂર્ણ બંધ કરી દેવો પડે છે. આ સમસ્યાનો કાયમી ઉકેલા લાવવા માટે પાઈપલાઈન તથા ચેમ્બરોની રેલ્વે અંડરબ્રીજથી ભોગાવો નદી સુધી સંપૂર્ણ સફાઈ કરવામાં આવે તેવી માંગ સાથે સામાજીક સંસ્થા જન કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા મનપાના સત્તાધીશોને રજુઆત કરવામાં આવી છે.