દારૃબંધી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
દારૃના નશામાં થતા ઝઘડાના બનાવોથી મહિલાઓ અને બાળકોમાં ભયનો માહોલ
પાટડી - દસાડા તાલુકાના વાલેવડા ગામમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા દેશી દારૃના ગેરકાયદેસર વેચાણે માઝા મૂકી છે. આ અસામાજિક પ્રવૃત્તિથી ત્રસ્ત થયેલા ગ્રામજનો, સરપંચ અને સ્થાનિક આગેવાનોએ એકત્ર થઈ દસાડા પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં અમુક માથાભારે શખ્સો પોલીસના ડર વગર ખુલ્લેઆમ દારૃનું વેચાણ કરી રહ્યા છે, જેના કારણે ગામનું વાતાવરણ દૂષિત થઈ રહ્યું છે. વેચાણને કારણે યુવાધન વ્યસનના માર્ગે ચડી રહ્યું છે, પરિણામે અનેક પરિવારો આથક અને સામાજિક રીતે બરબાદ થઈ રહ્યા છે. દારૃના નશામાં થતા ઝઘડા અને મારામારીના બનાવોને લીધે મહિલાઓ અને બાળકોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગ્રામજનોએ પોલીસ તંત્ર સમક્ષ માંગ કરી છે કે દારૃના અડ્ડાઓ પર તાત્કાલિક દરોડા પાડી વેચાણ બંધ કરાવવામાં આવે અને આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે, તો ગ્રામજનોએ ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.


