Gujarat

ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓના લાયસન્સ રદ્દ કરવા રજૂઆત

By GS TEAM
15 Nov 20251 min read
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓના લાયસન્સ રદ્દ કરવા રજૂઆત

મ્યુ. કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આજે મ્યુ. કમિશનરની અધ્યક્ષતામાં મળેલી સંકલન બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોના પાણી, ડ્રેનેજ, રોડ તેમજ દબાણ સંબંધિત મુદ્દાઓ બાબત ધારાસભ્યો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.

અકોટા વિધાનસભાના ધારાસભ્યે બેઠક દરમિયાન ખંડેરાવ માર્કેટથી દાંડિયા બજાર વચ્ચે પીવાના પાણીની સમસ્યા અંગે ધ્યાન દોર્યું હતું. તેમણે પાણી વિતરણ વ્યવસ્થામાં તાત્કાલિક સુધારો લાવવા, વરસાદી પાણી ભરાયા વિના ઝડપથી નિકાલ થાય તે માટે નવી લાઈનો નાખવાની જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી. વધુમાં, અકોટા માર્ગ પર ચાલી રહેલી ડ્રેનેજની કામગીરી વહેલી પૂર્ણ કરવામાં આવે તેવું પણ તેમણે સૂચવ્યું હતું. માંજલપુર વિધાનસભાના ધારાસભ્યે રોડ અને રસ્તાના કાર્યોમાં ઝડપ લાવવા તેમજ ગેરકાયદે દબાણો દૂર કરવા ભાર મૂક્યો હતો. ખાસ કરીને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્ત્વો સામે સખ્ત કાર્યવાહીની માગણી કરી હતી. હાથીખાના બજારમાં કેટલીક દુકાનોમાં વારંવાર ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેચાતા હોવાની રજૂઆત કરતા તેમણે આવી દુકાનોને તાત્કાલિક સીલ કરીને લાયસન્સ રદ કરવાની માગ કરી હતી. ધારાસભ્યના જણાવ્યા પ્રમાણે, મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓએ પણ ખાતરી આપી છે કે, વેપારીઓ ફરીવાર ભેળસેળ કરતા ઝડપાશે તો તેમનું લાયસન્સ રદ કરવામાં આવશે.મ્યુ. કમિશનરે બેઠકમાં જણાવ્યું હતું કે, વહીવટી ચાર્જની આડમાં કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. ધારાસભ્યોની રજૂઆતોનું યોગ્ય અને સમયસર નિરાકરણ લાવવા મ્યુ.કોર્પોરેશન પ્રયત્નશીલ રહેશે.