Gujarat

કતારગામમાં સ્કુલની નવી જગ્યાનો વિરોધ કરનારા કોર્પોરેટરને નોટિસ બાદ શાળાની જગ્યા બદલવા માટે સ્થાયી સમિતિ સમક્ષ ફરીથી દરખાસ્ત રજુ

By GS TEAM
26 Feb 20262 mins read
TukuTouch Logo
કતારગામ ટીપી સ્કીમ નંબર 50 ફાઈનલ પ્લોટ નંબર 94 માં માધ્યમિક શાળાનું ખાત મુર્હુત કર્યું, વર્ક ઓર્ડર અપાયો ત્યારબાદ કામગીરી ટીપી સ્કીમ નંબર 35 ફાઈનલ પ્લોટ નંબર 123માં શરૂ કરતા વિરોધ થયો હતો : આ પહેલા દરખાસ્ત મુલતવી રહી હતી

Summarized by AI; it may make mistakes. Check important info

કતારગામમાં સ્કુલની નવી જગ્યાનો વિરોધ કરનારા કોર્પોરેટરને નોટિસ બાદ શાળાની જગ્યા બદલવા માટે સ્થાયી સમિતિ સમક્ષ ફરીથી દરખાસ્ત રજુ

Surat Katargam : સુરત પાલિકાના કતારગામ ઝોનમાં વિવાદ જગાવનાર સુમન સ્કૂલની જગ્યા બદલવા માટેની દરખાસ્ત ફરીથી સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. કતારગામ ટીપી સ્કીમ નંબર 50 ફાઈનલ પ્લોટ નંબર 94 માં માધ્યમિક શાળાનું ખાત મુર્હુત કરવામાં આવ્યું હતું અને વર્ક ઓર્ડર અપાયો ત્યારબાદ કામગીરી ટીપી સ્કીમ નંબર 35 ફાઈનલ પ્લોટ નંબર 123 માં શરૂ કરતા વિરોધ થયો હતો અને સ્થાયી સમિતિએ દરખાસ્ત મુલતવી રાખી હતી. હવે આ મુદ્દે વિવાદ કરી ભાજપને ફિક્સમાં મુકનારા ભાજપના કોર્પોરેટરને શહેર પ્રમુખે નોટિસ આપ્યા બાદ ફરીથી સ્થાયી સમિતિ સમક્ષ શાળાની જગ્યા બદલવાની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. 

સુરત પાલિકાની સ્થાયી સમિતિમાં આગામી શુક્રવારે કતારગામની સુમન શાળાની જગ્યા બદલવા માટેની દરખાસ્ત વધુ એક વખત રજૂ કરવામાં આવી છે. કતારગામની સુમન સ્કુલનો મુદ્દો ભાજપ માટે આફત બની ગયો છે. સુરત પાલિકાના કતારગામ ઝોનમાં ટીપી સ્કીમ નંબર 50 (વેડ-કતારગામ)ના ફાઈનલ પ્લોટ નંબર 94 માં સુમન સ્કુલ બનાવવા માટે આયોજન કરાયું હતું અને ટેન્ડર બહાર પાડ્યા હતા. જેમાં 9.48 કરોડના અંદાજ સામે 33.99 ટકા નીચું એટલે કે 6.26 કરોડનું ટેન્ડર ગૌરવ બિલ્ડર્સનું ટેન્ડર મંજુર કરાયું હતું. 

આ સ્કુલ માટે ખાત મુર્હુત પણ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્થાનિકોની રજુઆતને લઈને ધારાસભ્ય વિનોદ મોરડીયાએ પત્ર લખીને સુમન સ્કૂલ જ્યાં મંજૂર થઈ છે તેની જગ્યાએ વેડ રોડ પર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વધુ રહે છે અને તેમના બાળકો ઘર નજીક માધ્યમિક શિક્ષણ મેળવી શકે તે માટે ટી.પી સ્કીમ નંબર 35 (કતારગામ) ફાઈનલ પ્લોટ નંબર 123માં શાળા બનાવવા માટે ભલામણ કરી હતી. 

જોકે, આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજુર થાય તે પહેલાં જ સ્થળ પર કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જેના કારણે ભાજપના જ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે વિરોધ કરીને લેખિતમાં કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની માંગણી કરી હતી. ત્યાર બાદ સ્થળ ફેર માટે દરખાસ્ત રજુ કરવામા આવી હતી. પરંતુ આ વિવાદના કારણે દરખાસ્ત મુલતવી રાખવામાં આવી હતી. 

પાંડવના કારણે વિવાદ મોટો થયો હતો અને વિપક્ષને પણ મુદ્દો મળ્યો હતો. આ મુદ્દે ભાજપે મોડે મોડે પગલાં ભરી ગઈકાલે નરેન્દ્ર પાંડવને શો કોઝ નોટિસ ફટકારી હતી. આ નોટિસ બાદ આગામી સ્થાયી સમિતિમાં ફરી એકવાર જે જગ્યાએ શાળા માટે ધારાસભ્યએ ભલામણ કરી હતી અને જ્યાં શાળાનું કામ શરૂ થયું છે. તે જગ્યા રાખવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે તેના પર શુક્રવારે નિર્ણય થશે.