ગોધરા તા.૨૪ રાજયમાં ખેરના લાકડાની તસ્કરી કરવાના નોંધાયેલા ગુનામાં ઈડીએ ગોધરાના બે શખ્સો સહિત આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની કુલ રૃા.૧૧.૩૦ કરોડની ૧૪ મિલકતો જપ્ત કરાતા લાકડા ચોરોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના વન વિભાગે મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે આવેલા શાલીમાર એન્ટરપ્રાઈસ ડેપોમાં રેડ કરી ગુજરાતના જંગલોમાંથી ચોરી કરાયેલ અંદાજે ૨,૦૫૫ મેટ્રિક ટન ખેરના લાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા ખેરના લાકડાનો આ વિશાળ જથ્થો ૨૪૭ ટ્રક મારફતે પરિવહન કરી સુરતના માંડવી ડેપો ખાતે લાવવામાં આવ્યો હતો. સુરત વન વિભાગ દ્વારા તા.૧૪ જૂન ૨૦૨૪ ના રોજ ખેરના લાકડાનો જથ્થો ઝડપ્યા બાદ તેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ દરમિયાન મોટા પાયે નાણાંકીય હેરફેર ધ્યાને આવતા ઈડીએ પણ તપાસમાં ઝંપલાવ્યું હતું.
તપાસમાં ગોધરાના મુસ્તાક આદમ તાસીયા તથા તાહિર અહેમદ હુસેન અને મધ્યપ્રદેશના અલીરાજપુરના આરીફઅલી અમજદઅલી મકરાણી સહિત અન્ય કેટલાક ઈસમો ખેરના લાકડાની તસ્કરીમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. અત્યાર સુધીમાં આ ગુનામાં સંડોવાયેલા આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઈડીએ ગોધરાના મુસ્તાક આદમ તાસીયા અને તાહિર અહમદ હુસૈન અને મધ્યપ્રદેશના એક વ્યક્તિ સહિત ખેરના લાકડાની તસ્કરીના આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની કુલ રૃા.૧૧.૩૦ કરોડની ૧૪ મિલકત જપ્ત કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે ખેરના લાકડાની તસ્કરી પ્રતિબંધિત છે. ખેરના લાકડામાંથી કાથો બને છે. આ આરોપીઓ ગુજરાતના જંગલોમાંથી ખેરના ઝાડો કાપીને કાથો બનાવતી રાજ્ય બહારની ફેક્ટરીઓમાં વેચતા હતા અને તેમાંથી ગેરકાયદે કરોડો રૃપિયાની કમાણી કરતા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે મિલકતો ટાંચમાં લેવામાં આવી છે.


