કોમર્શિયલ પ્રોપર્ટી પર બમણા પ્રોપર્ટીટેક્સ વસૂલવાનું સરકાર બંધ કરાવે
મોલ અને ઓનલાઈન શોપિંગથી તૂટેલા દુકાનદારોની માગણી
ઓનલાઈન શોપિંગને કારણે દુકાનોના ધંધો તૂટી રહ્યા છે ત્યારે દુકાન ખરીદવાને બદલે ભાડાંની દુકાન લેનારાઓ પર ટેક્સનો બોજ
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
એક તરફ ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધતાં અને ઓનલાઈન શોપર્સ સાથે સ્પર્ધા કરવી કઠિન બની રહી છે ત્યારે માલિકીની દુકાન ખરીદીને ભાડાંની દુકાનમાં ધંધો ચાલુ કરનારા દુકાનદારો પાસેથી પ્રોપર્ટી ટેક્સ પેટે બમણો વેરો વસૂલવામાં આવી રહ્યો હોવાથી તેમના પર અસહ્ય આર્થિક બોજો આવી રહ્યો હોવાથી ભાડાંની કોમર્શિયલ મિલકતો પર બમણો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનું બંધ કરાવવાની માગણી બુલંદ બની રહી છે.
એકતરફ ઓનલાઈન ચીજવસ્તુઓ વેચનારાઓ દુકાનદારો કરતાં ઓછી કિંમતે માલ વેચતા હોવાથી દુકાનદારોના ધંધા તૂટી રહ્યા છે.ઓનલાઈન ચીજવસ્તુઓનું વેચાણ કરનારાઓની ગેરવાજબી નીતિરીતિઓનો સામનો કરવો નાના વેપારીઓ માટે મુશ્કેલ બની રહ્યો છે. આ સંજોગોમાં તેમના વેપાર ધંધા તૂટી રહ્યા છે. તેથી મૂડી બચાવવા માટે તેઓ ભાડાંની જગ્યા લઈને તમાં ધંધો કરી રહ્યા છે. તેમની પાસે આ જગ્યા પર લેવામાં આવતા ભાડાં ઉપરાંત તેમણે પ્રોપર્ટી ટેક્સ ભરવો પડે છે. આ પ્રોપર્ટી ટેક્સ ભાડાની મિલકત પર બમણો લેવામાં આવે છે. તેથી દુકાનદારોની આર્થિક હાલત બગડી રહી છે.
વેપારીઓ વ્યાજે પૈસા લઈને ધંધો કરે છે. વ્યાજના ખર્ચનો બોજ આવે જ છે. આ મુદ્દે અમદાવાદ વેપારી મહાસંગઠને આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હોવાનું જણાવતા પ્રમુખ મેઘરાજ ડોડવાણીએ જણાવ્યું હતું કે મકાન માલિક પાસે સિંગલ પ્રોપર્ટી ટેક્સ લેવામાં આવે છે. જ્યારે તે જ જગ્યાએ ભાડે લેનાર પાસે બમણો પ્રોપર્ટી ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. તેને પરિણામે વેપારીઓના માથા પર ટેક્સ ચૂકવવાનો બોજ વધી રહ્યો છે. આ મુદ્દે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે પણ સરકાર સમક્ષ રજૂઆત કરી છે. ભાડાંની અને માલિકીની મિલકત પર પ્રોપર્ટી ટેક્સ એક સમાન રાખવાની માગણી કરવામાં આવી છે.