પરિણીત પ્રેમીના જીવનમાં અન્ય યુવતી આવતા પ્રોફેસર પ્રેમિકાને તરછોડી
પાટનગરમાં પતિ-પત્ની ઔર વોનો અજીબ કિસ્સો
સિક્યુરિટી ગાર્ડમાંથી ફાયર કર્મચારી બનેલા પ્રેમી સામે આખરે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી
છેલ્લા થોડા સમયથી સમાજમાં પતિ પત્ની ઓર વોના કિસ્સા સતત
વધી રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં પણ આવો જ એક અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો
છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે દાહોદની યુવતી આઠ વર્ષ અગાઉ ગાંધીનગરમાં સ્પર્ધાત્મક
પરીક્ષાની તૈયારી કરવા માટે આવી હતી અને અહીં એક હોસ્ટેલમાં રહેતી હતી. જ્યાં અહીં
ફરજ બજાવતા મૂળ દાહોદના સિક્યુરિટી ગાર્ડ સાથે સંપર્ક થયો હતો. આ દરમિયાન આ
સિક્યુરિટી ગાર્ડને મકાન ભાડે મેળવવા માટે સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ બંને
વચ્ચે મિત્રતા બંધાઈ હતી. જોકે યુવતી સિક્યુરિટી ગાર્ડના પ્રેમમાં પડી ગઈ હતી.
બંને જણા ગાંધીનગરમાં અલગ મકાન રાખીને રહેતા હતા. આ જવાન પરિણીત હોવા છતાં તેણે આ
બાબત યુવતીથી છુપાવી હતી અને ત્યારબાદ તેની સાથે તમામ પ્રકારના સંબંધો રાખી
પત્નીની જેમ જ રાખતો હતો. જોકે તે પરણિત હોવાનો ભાંડો ફૂટી જતા તેની પત્ની માનસિક
બીમાર હોવાનું અને છુટાછેડા આપીશ તેવું વચન આપ્યું હતું. બાદમાં જવાન તેની પત્નીને
પણ સારવાર માટે ગાંધીનગર લઈ આવ્યો હતો અને આ યુવતી જવાન અને તેની પત્ની સાથે જ
રહેતા હતા.
જોકે આ દરમિયાન સિક્યુરિટી જવાનને પોરબંદર ખાતે ફાયર
બ્રિગેડમાં નોકરી મળી ગઈ હતી અને આ યુવતી પણ પ્રોફેસર થઈ ગઈ હતી. જોકે યુવતીને ખબર
પડી હતી કે તેનો પ્રેમી પોરબંદર રહેવા ગયો છે અને ત્યાં અન્ય યુવતી સાથે તેને
સંબંધો છે. જેના કારણે તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી અને ત્યારબાદ તેણે
સંબંધોનો અંત લાવી દીધો હતો. એટલું જ નહીં તેની સામે સેક્ટર ૭ પોલીસ મથકમાં
દુષ્કર્મ અને દસ લાખ રૃપિયા પડાવી લેવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે
પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.