એમ.એસ યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલર પ્રો.ભનાગેએ તેમનો ચાર્જ સંભાળ્યો
Vadodara M S University : એમ.એસ યુનિવર્સિટીના 18મા વાઈસ ચાન્સેલર તરીકે મુંબઈના પ્રોફેસર બી.એમ.ભનાગેએ આજે તેમનો ચાર્જ સંભાળ્યા બાદ કહ્યું હતું કે હું મૂળભૂતપણે રિસર્ચર છું, એટલે સારા અને ગુણવત્તાયુક્ત રિસર્ચ અને તેને પ્રોત્સાહન આપવા તરફ મારું વિશેષ ધ્યાન રહેશે. યુનિવર્સિટીની શૈક્ષણિક શ્રેષ્ઠતા વધે અને ખાસ તો અહીંના અધ્યાપકો કે જે સારું કામ કરે છે તેઓનું રિસર્ચ વર્ક આગળ વધે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અહીંના રિસર્ચ સારામાં સારા જર્નલમાં પ્રસિદ્ધ થાય અને સમાજ ઉપયોગી બને તે વધુ જરૂરી છે. રિસર્ચ વર્ક સમાજમાં જવું જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રો.ભનાગેએ વધુમાં કહ્યું હતું કે સંશોધનને પ્રોત્સાહન આપવાની સાથે સાથે ઉદ્યોગો અને યુનિવર્સિટી વચ્ચે પણ જોડાણ હોવું જોઈએ, જેથી કરીને ઉદ્યોગોના પ્રોબ્લેમ યુનિવર્સિટી સોલ્વ કરી શકે અને એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉદ્યોગોમાં જઈને કામ કરી શકે તે પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા હોવા પણ તેમણે ભાર મુકતા કહ્યું હતું કે દુનિયામાં આપણે જોયું છે કે યુનિવર્સિટી અને ઉદ્યોગો સાથે કામ કરે છે અને સમસ્યાઓનો નિવેડો લાવે છે. સમાજની જે કોઈ સમસ્યાઓ છે, તેના માટે ઉદ્યોગો ધ્યાન આપે અને યુનિવર્સિટીનો અપ્રોચ કરે તે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે યુનિવર્સિટી જરૂર સમસ્યાઓનું સમાધાન શોધી શકે. યુનિવર્સિટીમાંથી વધુને વધુ પેટન્ટ આવવી જોઈએ કે જેથી યુનિવર્સિટીને અને સમાજને પણ ઉપયોગી થઈ શકે. એઆઈ સહિતની અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી અભ્યાસક્રમોનું અપગ્રેડેશન કરવા પર પણ નવા વીસીએ ભાર મૂક્યો હતો.