MSUના 18મા વીસી તરીકે મુંબઈના પ્રો.બી.એમ.ભનાગેની વરણી, અણધાર્યા નામે પ્રાધ્યાપકોને ચોંકાવ્યા
M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલરને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાનો આખરે અંત આવ્યો છે. યુનિવર્સિટીના અઢારમાં વાઈસ ચાન્સેલર તરીકે મુંબઈના ઈન્સ્ટિટયુટ ઓફ કેમિકલ ટેકનોલોજીના કેમેસ્ટ્રી વિભાગના પ્રોફેસર બી.એમ.ભનાગેની પાંચ વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે.
સરકારે કરેલી જાહેરાત અનુસાર પ્રો.ભનાગે જે દિવસથી ચાર્જ લેશે તે દિવસથી તેમની પાંચ વર્ષની મુદત શરૂ થશે. સરકારે આજે બપોરે આ નામની જાહેરાત થતા શૈક્ષણિક વર્તુળોમાં આશ્ચર્ય સર્જાયું હતું. સૂત્રોનું કહેવું છે કે, પ્રો.ભનાગેનું નામ ચર્ચામાં નહોતું.
પ્રો.ભનાગેએ 1996માં યુનિવર્સિટી ઓફ પૂણેમાંથી પીએચડી કર્યું છે અને 2003થી ઈન્સ્ટિટયુટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં તેઓ ફરજ બજાવી રહ્યા છે. તેમના બાયોડેટા પ્રમાણે હોમોજિનિયસ કેટાલિસ્ટ, રિએક્શન કાઈનેટિક્સ એન્ડ મિકેનિઝમ તેમના સંશોધનનો મુખ્ય વિષય છે. તેમણે ઓથર અને કો-ઓથર તરીકે 35 જેટલા રિસર્ચ પેપર પ્રકાશિત કર્યા છે. કેમેસ્ટ્રી વિષયમાં તેમની પાસે 19 જેટલી પેટન્ટ છે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે તેઓ ક્યારે ચાર્જ લેશે તે હજી સ્પષ્ટ થયું નથી. ઉલ્લેખનીય છે કે, ડો.શ્રીવાસ્તવે પ્રોફેસર તરીકેના અનુભવના મુદ્દે રાજીનામું આપ્યા બાદ સાત મહિનાથી યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલરની પોસ્ટ ખાલી હતી. નિમણૂકમાં વિલંબને લઈને સરકારની ટીકા પણ થઈ રહી હતી. જોકે આજે સરકારે અણધાર્યા નામની જાહેરાત કરીને અટકળો પર વિરામ મૂકી દીધો છે.