Get The App

ઓટોમેટીક મશીનમાં મહિને બે કરોડ મિટર ગ્રેનું ઉત્પાદન ઘટાડાયું છતાં ખરીદી નથી

Updated: Apr 22nd, 2023

GS TEAM

Google News
Google News
ઓટોમેટીક મશીનમાં મહિને બે કરોડ મિટર ગ્રેનું ઉત્પાદન ઘટાડાયું છતાં ખરીદી નથી 1 - image


-વેપારીવર્ગની માંગ 40 ટકાની સામે ઉત્પાદન બમણા કરતા વધુ 90 ટકા  થઇ રહ્યું છે : અઠવાડીયામાં એક કે બે રજાનો અમલ હજુ પણ જારી

 સુરત

વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે કપરાં સમયનો સામનો કરી રહી છે. આમતો, સમગ્રતયા ટેક્સટાઇલ સેગમેન્ટની આ હાલત છે. અત્યારે ઓટોમેટીક મશીન ખાસ કરીને, રેપિયર જેકાર્ડ ગ્રે ઉત્પાદકોએ મહિને અંદાજે બે કરોડ મિટર ગ્રેનું ઉત્પાદન ઓછું કર્યું છે, છતાં સુધારો નથી. ગ્રે ઉત્પાદકો અઠવાડિયામાં 1 અને 2 રજાનો અમલ કરી રહ્યાં છે.

વિવિંગના આધુનિક મશીનરીનું દર મહિને ગ્રે ઉત્પાદન અંદાજે 174 કરોડ મિટર છે. જેમાં રેપિયર જેકાર્ડ ગ્રે ઉત્પાદકોનું 14 કરોડ મિટર છે. મહિનામાં 8 રજા રાખી રહ્યાં હોવાથી, એક મહિનામાં જ આશરે 2 કરોડ મિટર ગ્રેનું ઉત્પાદન આપોઆપ ઓછું થઈ ગયું છે, એમ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.

ગ્રેમાં માંગ નહીં હોવાનું એક કારણ ઉત્પાદન પહેલાં અનેકગણું વધી ગયું છે. વેપારીની માંગ કરતાં ઉત્પાદન બમણું હોવાને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. વેપારી વર્ગની માંગ 40 ટકા છે અને તેની સામે 90 ટકા ઉત્પાદન થઈ રહ્યું છે. અને બીજું એક એક્સપોર્ટમાં હિસ્સો માત્ર 10-12 ટકા છે. ગારમેન્ટમાં બહુ ઓછું જતું હોવાથી, એટલી માંગ નથી.

વિવિંગ ઉદ્યોગમાં વિવિધ ઓટોમેટીક મશીનો પૈકી રેપિયર જેકાર્ડ મશીનોની સંખ્યા અંદાજે 20 હજાર છે.એક મશીન દર મહિને સાડીનું 7500 મીટર ગ્રેનું ઉત્પાદન કરે છે. મહિનામાં સરેરાશ 8 રજા પ્રમાણે મહીને 1000 મીટર ગ્રેનું પ્રોડક્શન આપોઆપ ઓછું થઈ ગયું છે. હાલમાં 60 ટકા મશીનો દર રવિવારે બંધ રહે છે. 10 ટકા મશીનો અઠવાડિયામાં ૨ રજા રાખે છે, જ્યારે 30 ટકા મશીનો રજા રાખતા નથી, એમ સચિનના કારખાનેદાર મૌલિક નળીયાધરાએ જણાવ્યું હતું.

ઉદ્યોગને પેમેન્ટની પણ મોટી સમસ્યાઓ નડી રહી છે. 60 દિવસનો ધારાની સામે 120થી 150 દિવસ થઈ ગયાં છે. છતાં પેમેન્ટો માર્કેટમાંથી આવતાં નથી. માંગ ની સામે ઉત્પાદન વધારે હોવાથી આ સ્થિતિ સર્જાઇ છે અને તેથી રજાનો અમલ ચાલી રહ્યો છે. આમછતાં કાપડ માર્કેટ તરફથી જોઈએ એવો પ્રતિભાવ નથી.

Tags :