વડોદરામાં રૂપારેલ કાંસને અડીને બનાવેલી ત્રણ માળની ઇમારત દૂર કરવાની કાર્યવાહી શરૂ
Vadodara : ચોમાસા પૂર્વે પાલિકાની દબાણ શાખાની ટીમે વિવિધ કાસ નજીક ઉભા થયેલા ગેરકાયદેસર બાંધકામ પર સપાટો બોલાવવાનો શરૂ કર્યો છે. પૂર્વ વિસ્તારમાં આયુર્વેદિક ત્રણ રસ્તા પાસેથી પસાર થતી રૂપારેલ કાંસ નજીક ત્રણ માળની મહાકાય બિલ્ડીંગ બનાવી દેતા આજે તેને તોડી પાડવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.
ચોમાસામાં પૂર ન આવે તે માટે પાલિકાનું તંત્ર વિવિધ કામગીરી કરી રહ્યું છે. ખાસ કરીને વિશ્વામિત્રી નદીમાં પૂર ન આવે તે માટે તેને આનુસંગિક કાસ પર દબાણ ન થાય તે માટે તંત્ર સજાગ છે. આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે ઉદ્યોગ નગર નજીકથી પસાર થતી રૂપારેલ કાંસ પાસે ત્રણ માળની મહાકાય ઇમારત ગેરકાયદેસર રીતે બંધ બાંધી દેવામાં આવી હતી. માર્જિનની જગ્યામાં ઊભી થયેલ ઇમારત અંગે પાલિકા તંત્રને મળેલી ફરિયાદના આધારે આજે ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ પહોંચેલી દબાણ શાખાની ટીમે અહીં બ્રેકર વડે દબાણ તોડવાની કામગીરી શરૂ કરી છે. પાલિકા તંત્રના દબાણ હટાવવાનો યોગ્ય એક્શન પ્લાન બનાવશે તો તેનાથી પૂરની શક્યતા હજુ વધુ ઘટવાની સંભાવના છે.