વારસિયા રિંગરોડ ઊંચો-નીંચો : વડોદરા કોર્પોરેશનના પાપે 50 સોસાયટીઓમાં પાણી ભરાવાનો પ્રશ્ન વિકટ બન્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરાના વારસિયા રિંગરોડ પરનો રસ્તો એક બાજુ ઊંચો અને બીજીબાજુ નીચો હોવાથી મુખ્ય રસ્તાની એકબાજુની સોસાયટીઓમાં રોડનું લેવલ નીચું થઇ જતા ચોમાસામાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા વધુ વિકટ બનશે જેથી લોકોમાં રોષ વ્યાપ્યો છે.
હરણી-વારસિયા રિંગરોડ ઊંચો નીચો હોવાથી રાજધાની સોસાયટી, ઘનશ્યામપાર્ક, રાજા રણછોડપાર્ક, ઇન્દુમતીપાર્ક, કમલાબા પાર્ક, ચતુર પાર્ક, પરાગરજ, લક્ષ્મીનારાયણ, દાજીનગર, શ્રધ્ધાપાર્ક, મહાલક્ષ્મી પાર્ક સહિતની 50 થી 60 સોસાયટીઓમાં મુશ્કેલી સર્જાય છે.
હરણી-વારસિયા રિંગરોડ ચાર રસ્તાથી કિશનવાડી ગધેડા માર્કેટ સુધીના મુખ્ય રસ્તો થોડા સમય પહેલા બનાવવામાં આવ્યો હતો ત્યારે એકબાજુનો રસ્તો ઊંચો અને બીજીબાજુનો રસ્તો નીચો હોવાથી જે બાજુ નીચો રસ્તો છે તેવા વિસ્તારમાં આવેલી 50 થી 60 સોસાયટીઓમાં ચોમાસા દરમિયાન એકાદ બે ઇંચ વરસાદ પડે તો પાણી ભરાઇ જતા હોવાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. કોર્પોરેશનમાં અવારનવાર રજૂઆતો થતી રહે છે.
આ વિસ્તારમાં માઇક્રો ટનલથી નવી ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી ચાલી હતી તે પણ છેલ્લા કેટલાક સમયથી અટકી પડી છે ત્યારે આ સમગ્ર વિસ્તારમાં તાજેતરમાં બે વખત એકાદ બે ઇંચ વરસાદ પડ્યો તેમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. હરણી-વારસિયા રિંગરોડ પરના પંચશીલ એપાર્ટમેન્ટ પાસે આવેલી પ્રગતિ નગર સોસાયટીનું રોડનું લેવલ નીચે આવી જવાથી પાણી ભરાયા હતા. સ્થાનિક રહીશોએ સોસાયટીના મુખ્ય પર સંગમ રસ્તાનું લેવલ ઊંચુ લાવવા ડામર કરવામાં તેવી માગણી કરી છે.
સુભાનપુરા-ગોત્રી સુધી પાણી ભરાવાની સમસ્યા : દસ હજાર મકાનને અસર
સુભાનપુરા વિસ્તારના ઝાંસી કી રાણી સર્કલથી હરિનગર પાંચ રસ્તા સુધીના વિસ્તારમાં સામાન્ય વરસાદ પડતાની સાથે કમર સુધી પાણી ભરાઇ જાય છે અને આ વિસ્તારના દસ હજારથી વધુ મકાનો અને હજારો નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા જરૂરી પગલા ભરી કાયમી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગણી સુભાનપુરા વિસ્તારના કાર્યકરે મ્યુનિ.કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
ચોમાસા પૂર્વે સુભાનપુરાથી ગોત્રી હરિનગર પાંચ રસ્તા સુધીના મુખ્ય રસ્તા પર ઠેર ઠેર પાણી, ડ્રેનેજ, પાઈપલાઈન અને માર્ગ મરામત થઈ હોવાથી ખાડા પડી ગયા છે. જેમાં પાણી ભરાયેલા રહે છે.જેને કારણે અકસ્માતોની શક્યતા રહેલી છે. આ સામે કોર્પોરેશન દ્વારા પાણીના નિકાલ માટે મશીનો લગાવવાની જરૂર છે.








