Get The App

મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં વિક્ષેપ બીએલઓ માટેની એપમાં મુશ્કેલી આખો દિવસ એન્ટ્રીઓ થઇ શકી નહી

મતદારયાદીમાં નામના મેપિંગ બાદ સમયસર એન્ટ્રીઓ ના થતા બીએલઓ હેરાન પરેશાન

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં વિક્ષેપ  બીએલઓ માટેની એપમાં મુશ્કેલી આખો દિવસ એન્ટ્રીઓ થઇ શકી નહી 1 - image

વડોદરા, તા.17 મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત એસઆઇઆરની કામગીરી સમગ્ર રાજ્યમાં પૂરજોશમાં ચાલી રહી છે અને તેનો સમગ્ર ભાર બીએલઓ પર છે ત્યારે ચૂંટણી પંચની બીએલઓ માટેની એપ આજે યોગ્ય કામ નહી કરતા બીએલઓને એપમાં એન્ટ્રી કરવામાં મુશ્કેલી પડતી હોવાની બૂમો ઊઠી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર)નો પ્રોગ્રામ શરૃ કરવામાં આવ્યો છે. મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારોના ઘેર જઇને ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને ફોર્મ ભરાયા બાદ મેપિંગ થઇ જાય તો તેની વિગતોની એન્ટ્રી ચૂંટણી પંચની બીએલઓ માટેની એપમાં કરવાની હોય છે. બીએલઓ દ્વારા સવારથી જ આ એપમાં એન્ટ્રી કરવાનું શરૃ કરી દેવામાં આવે છે.

માત્ર એક માસના આ કાર્યક્રમ અંતર્ગત આજે સવારથી બીએલઓ દ્વારા જ્યારે એપમાં એન્ટ્રી કરવાની શરૃઆત થઇ તો ડેટા એન્ટ્રી થતી ન હતી. એપમાં  સ્ક્રોલિંગનો ઇસ્યૂ આવતો હતો અને આગળની કામગીરી થઇ શકતી ન હતી. બીએલઓ દ્વારા સમયસર કામ પૂર્ણ કરવાનું દબાણ હોય છે એટલું જ નહી પરંતુ મતદારયાદીમાં મેપિંગ થઇ ગયા બાદ તેની એન્ટ્રી કરવાની હોય છે પરંતુ તેમાં વિક્ષેપ સર્જાતા જ બીએલઓ હેરાન પરેશાન થઇ ગયા હતા.

આજે સવારથી સાંજ સુધી બીએલઓ દ્વારા અથાક પ્રયત્નો છતાં પણ એપમાં ડેટા એન્ટ્રી થઇ શકી ન હતી. આ અંગે ડેપ્યુટી ચૂંટણી અધિકારીનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે બીએલઓ એપનું સર્વર ડાઉન હતું જેના કારણે મુશ્કેલી સર્જાઇ હતી.