Get The App

પ્રિયાંશુ હત્યા કેસ: આરોપી કોન્સ્ટેબલના 10 દિવસના રિમાન્ડ મંજૂર, ગુનામાં વપરાયેલી કાર કબજે લેવાઈ

Updated: Nov 15th, 2024

GS TEAM


Google News
Google News
પ્રિયાંશુ હત્યા કેસ: આરોપી કોન્સ્ટેબલના 10 દિવસના રિમાન્ડ મંજૂર, ગુનામાં વપરાયેલી કાર કબજે લેવાઈ 1 - image


Priyanshu Jain Murder Case: અમદાવાદ શહેરના બોપલમાં 10 નવેમ્બરના રોજ કાર ધીમે ચલાવવા અંગે ઠપકો આપવાની સામાન્ય બાબતમાં માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે 13 નવેમ્બરે આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબથી ધરપકડ કરાયા બાદ તેને અમદાવાદ લવાયો હતો. ત્યારબાદ ગુરૂવારે એટલે કે 14 નવેમ્બરે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આજે શુક્રવારે આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીના 25 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના એટલે કે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

સરકારી વકીલે કોર્ટમાં દલીલ રજૂ કરી હતી કે ગુનો આચર્યા બાદ આરોપી બે દિવસ સુધી નાસતો ભાગતો ફરતો હતો. પંજાબથી તેની ધરપકડ કરવામાં આવી છે. તેણે તપાસ દરમિયાન પુરતો સપોર્ટ આપ્યો નથી. હત્યામાં ઉપયોગ લેવામાં આવેલા હથિયાર (છરી)ને ફેંકી દીધી હતી તે જગ્યા વિશે પણ જણાવ્યું નથી. આરોપી 15 વર્ષથી પોલીસખાતામાં ફરજ બજાવતો હોવાથી કાયદાનો જાણકાર છે. 

આ ઉપરાંત ગુનો આચર્યો તે સમયે તેણે પહરેલા કપડાં મેળવવા બાકી છે, કારણ કે તેના પરથી બ્લડ સેમ્પલ મેળવી શકાય. તે પંજાબ ભાગી ગયો ત્યારે તે રસ્તામાં ક્યાં રોકાયો? કોણે તેની મદદ કરી. આરોપી સાથે અન્ય એક વ્યક્તિ હતો તે કોણ છે. તેને ભાગવામાં કોણે મદદ કરી વગેરે સવાલો જવાબ પરથી પડદો ઉંચકાયો નથી. આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જોકે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

ગુનામાં વપરાયેલી કાર પોલીસે કબજે લીધી

આવેશમાં આવી હત્યા કરી હોવાની થિયરી પોલીસને હજુ ગળે ઉતરતી નથી. આ હત્યાનું પ્લાનિંગ હતું કે પછી જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી છે તેની તપાસ હવે હાથ ધરવામાં આવી છે. હત્યામાં વપરાયેલી છરી તે હંમેશા સાથે રાખતો કે નહી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. ગુનામાં વપરાયેલી હેરિયર કાર તેના સાળા વિશાલના નામે છે. હત્યા બાદ આરોપી વિરેન્દ્ર સિંહે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. 

પ્રિયાંશુ હત્યા કેસ: આરોપી કોન્સ્ટેબલના 10 દિવસના રિમાન્ડ મંજૂર, ગુનામાં વપરાયેલી કાર કબજે લેવાઈ 2 - image

શું હતી ઘટના? 

ઉત્તર પ્રદેશના મેરઠના વતની 23 વર્ષીય પ્રિયાંશુ જૈન શેલાની માઇકા કોલેજમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. રવિવારે રાતે આઠ વાગે પ્રિયાંશુ અને તેની સાથે અભ્યાસ કરતા પૃથ્વીરાજ મહાપાત્રા નામના યુવકને કોલેજમાં ઇન્ટરવ્યૂ હતો. આ કારણસર તેઓ કપડા સીવડાવવા બોપલમાં સરકારી ટ્યુબવેલ પાસે આવેલા એક ટેલરને ત્યાં શૂટનું માપ આપવા ગયા હતા. ત્યાર પછી રાતે જમીને રાતના સાડા દસ વાગે હોસ્ટેલ પરત આવી રહ્યા હતા, ત્યારે રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે વળાંક લેતા સમયે પૂરઝડપે એક કાર પસાર થઇ હતી. જેથી પ્રિયાંશુએ તેને વાહન સરખું ચલાવવાનું કહ્યું હતું અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.  આ બાબતે ગુસ્સે થઈને કારચાલકે તેને એક સાથે બે છરીથી યુવકને ઘા ઝીંકી દીધા હતા. બાદમાં પ્રિયાંશુ જૈનનો મિત્ર પૃથ્વીરાજ તેને સારવાર માટે બોપલની એક ખાનગી હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 

Tags :