Gujarat

ખાનગી યુનિવર્સિટીઓને પણ RTI કાયદો લાગુ પડે, સરકારને જરૂરી આદેશ આપવા માહિતી આયોગનો હુકમ

By GS TEAM
26 Jun 20253 mins read
TukuTouch Logo
ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા એક ખાનગી યુનિવર્સિટી સામે RTI (રાઇટ ટુ ઈન્ફોર્મેશન) હેઠળ માહિતી ન આપવાની ફરિયાદના કેસમાં મહત્ત્વનો હુકમ કરતા નોંધ્યુ છે કે, આરટીઆઈના કાયદા હેઠળ ખાનગી યુનિ.ઓ પણ આવે છે. એટલે કે ખાનગી યુનિ.ઓ પણ જાહેર સત્તામંડળમાં આવી શકે છે, જેથી આરટીઆઈ હેઠળ ખાનગી યુનિવર્સિટીઓએ પણ અરજદારને માહિતી આપવી પડે. આયોગે આ સાથે સરકારના વહિવટીતંત્રને પણ જરૂરી આદેશો આપવા ભલામણ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાનગી યુનિવર્સિટીઓને પણ RTI કાયદો લાગુ પડે, સરકારને જરૂરી આદેશ આપવા માહિતી આયોગનો હુકમ
Image: AI

RTI Act: ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા એક ખાનગી યુનિવર્સિટી સામે RTI (રાઇટ ટુ ઈન્ફોર્મેશન) હેઠળ માહિતી ન આપવાની ફરિયાદના કેસમાં મહત્ત્વનો હુકમ કરતા નોંધ્યુ છે કે, આરટીઆઈના કાયદા હેઠળ ખાનગી યુનિ.ઓ પણ આવે છે. એટલે કે ખાનગી યુનિ.ઓ પણ જાહેર સત્તામંડળમાં આવી શકે છે, જેથી આરટીઆઈ હેઠળ ખાનગી યુનિવર્સિટીઓએ પણ અરજદારને માહિતી આપવી પડે. આયોગે આ સાથે સરકારના વહિવટીતંત્રને પણ જરૂરી આદેશો આપવા ભલામણ કરી છે.

આ પણ વાંચોઃ નર્મદા સાયબર સેલના પોલીસ કોન્સ્ટેબલે કરોડોનું સાયબર ફ્રોડ આચર્યું, ડીએસપીએ સસ્પેન્ડ કર્યો

સરકારી સિવાય ખાનગી યુનિ.ને પણ RTI એક્ટ લાગુ પડે

કેન્દ્ર સરકારનો રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ-2005નો કાયદો સરકારી સંસ્થાઓને તો લાગુ પડે જ છે, પરંતુ ખાનગી યુનિ.ઓ કે જેઓ સરકારના કાયદા દ્વારા રચાઈ હોય તેઓને પણ લાગુ પડે છે. આ મહત્ત્વનો હુકમ તાજેતરમાં ગુજરાત માહિતી આયોગ દ્વારા આપવામાં આવ્યો છે. તાજેતરમાં એક ખાનગી યુનિવર્સિટી સામે અરજદારે માહિતી ન આપવા મુદ્દે કરેલી ફરિયાદના કેસમાં માહિતી આયોગ દ્વારા સુનાવણી હાથ ધરવામા આવી હતી. જેમાં આયોગે હુકમ કર્યો હતો કે, રાજ્યના શિક્ષણ વિભાગના 2020ના હુકમથી ખાનગી યુનિવર્સિટીને સંબંધિત અન્ય પ્રથમ અપીલના ચુકાદા હેઠળ ખાનગી યુનિવર્સિટી પણ આરટીઆઈ એક્ટ હેઠળ જાહેર સત્તામંડળ છે. માહિતી અધિકાર અધિનિયમમાં જાહેર સત્તામંડળની કરાયેલી વ્યાખ્યા મુજબ સંવિધાનથી અથવા તે હેઠળ કે સંસદે કરેલા કોઈ બીજા કાયદાથી કે રાજ્ય વિધાનમંડળે કરેલા કોઈ બીજા કાયદાથી અથવા સમુચિત સરકારે બહાર પાડેલ જાહેરનામાંથી રચેયાલા કોઈ સત્તામંડળ અથવા તો સ્વરાજ્યની સંસ્થા છે. મોટા પાયે ધિરાણ મેળવતા બિન સરકારી સંગઠનોનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ Gujarat Weather : 4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 7 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

હાઈકોર્ટના ચુકાદાને આધિન રહેશે આયોગનો નિર્ણય

યુજીસી દ્વારા પણ આરટીઆઈ એક્ટના અમલ બાબતે યુનિવર્સિટી-કોલેજો માટે સ્પષ્ટતા કરી છે. જેમાં યુનિ.ઓ-કોલેજોને એક્ટનો અભ્યાસ કરીને વિવિધ પ્રકારની માહિતી જાહેરમાં મૂકવા બાબતે જણાવ્યું છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા તાજેતરમાં કરવામા આવેલા હુકમમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે, ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ 2009ની કલમ-2માં આપવામાં આવેલી જાહેર સત્તામંડળની વ્યાખ્યામાં રાજ્ય વિધાનમંડળે કરેલા કાયદાથી અસ્તિત્ત્વમાં આવેલી સંસ્થાઓ જાહેર સત્તામંડળ બનતી હોવાથી ખાનગી યુનિવર્સિટીએ જાહેર સત્તામંડળની વ્યાખ્યમાં આવે છે. જો કે આયોગે સાથે એ પણ સ્પષ્ટતા કરી છે કે, અન્ય એક ખાનગી યુનિવર્સિટી સામેના જાહેર સત્તામંડળ ગણવાના હુકમ સામે યુનિ. દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં 2021માં અરજી કરાઈ હતી. જેમાં મનાઈ હુકમ કરેલો છે અને જે 4 ઓગસ્ટ 2025 સુધી લંબાવેલો છે. જેથી આયોગના આ હુકમનો અમલ હાઈકોર્ટના આખરી ચુકાદાને આધીન રહેશે. પરંતુ, આયોગે હાલ તો ખાનગી યુનિ.ને અરજદારને માહિતી આપવા આદેશ કર્યો છે અને સાથે રાજ્ય સરકારના વહિવટી તંત્રને આરટીઆઈ એક્ટનો અમલ કરાવવા માટે જરૂરી આદેશો આપવા ભલામણ કરી છે.

આ ઉપરાંત આયોગના હુકમની નકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવને પણ મોકલવામા આવે અને તેઓ દ્વારા ખાનગી યુનિ.ઓને આ બાબતે આદેશ આપવામાં આવે. જેની નકલ પણ આયોગને મોકલવાની રહેશે.