ખાનગી ટ્રાવેલ્સની બસમાં તોડફોડ, ડ્રાયવર ઉપર પાઈપ વડે હુમલો
ગાંધીનગરથી જામજોધપુરની બસ અમદાવાદના ઈસ્કોન પાસે લગાડવા બાબતે માથાકૂટ : 4 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ
રાજકોટ, : કુવાડવા ગામ પાસે કારમાં ધસી આવેલા ચાર આરોપીઓએ ખાનગી ટ્રાવેલ્સની બસમાં તોડ-ફોડ કરી, ડ્રાયવર અને ક્લીનરને મારકુટ કર્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે ચારેય આરોપીઓની ઓળખ મેળવી ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.
જામજોધપુરનાં મોટાવડીયા ગામે રહેતો ભીખન રમેશભાઈ કરંગીયા (ઉ.વ. 25) જામજોધપુરનાં સુનીલભાઈ ઓડેદરાની આદેશ ટ્રાવેલ્સમાં ડ્રાયવર તરીકે નોકરી કરે છે. દરરોજ જામજોધપુરથી ગાંધીનગર રૂટની બસ લઈ જાય છે. તેણે પોલીસને જણાવ્યું કે, ગઈ તા. 19નાં રોજ રાત્રે દસેક વાગ્યે તે અને ક્લિનર હારૂન ખેતા જામજોધપુરથી બસ લઈ ગાંધીનગર ગયા હતાં. ગઈકાલે ગાંધીનગરમાં બસમાં સુતા હતા ત્યારે ક્લીનર ઈરફાનનાં મોબાઈલમાં દ્વારકાધીશ ટ્રાવેલ્સનાં રણછોડભાઈ સભાળે કોલ કરી કહ્યું કે, તમે ઈસ્કોન પાસે બપોરે એક વાગ્યે તમારી બસ નહી લગાડતા, બપોરે 1.20 પછી બસ લગાડજો, તમારા શેઠને કહેવું હોય તો કહી દેજો, મારી બસનાં ડ્રાઈવર અને ક્લીનર ખરાબ મગજનાં છે, પછી માથાકુટ થાય તો કહેતા નહીં.
આ વાત તેણે તેના શેઠને કરી હતી. ગઈકાલે સવારે 11 વાગ્યે ગાંધીનગરથી પેસેન્જર ભરી જામજોધપુર જવા રવાના થયા હતાં. કુવાડવા ગામ પાસે પહોંચતા સફેદ કલરની સ્વિફટમાં ચાર શખ્સો પાઈપ લઈને ધસી આવ્યા હતાં. જેમાંથી એકે તેને નીચે ઉતરવાનું કહી પાઈપનો ઘા ઝીંકી દીધો હતો. બાકીનાં ત્રણે પાઈપ વડે બસનાં કાચ ફોડવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહી બસની અંદર આવી તેને અને ક્લિનરને ગાળો ભાંડી હતી. સાથો સાથ એક શખ્સે કહ્યું કે, તમને અમદાવાદથી 1 વાગ્યા પછી બસ ઉપાડવાનું કહ્યું હતું. છતાં પણ તમે 1 વાગ્યે બસ લગાડી હતી, કાલે પણ તમારી બસને આવી રીતે રોકીને તોડફોડ કરશું, ડ્રાયવરને પણ મારકુટ કરશું. એવામાં આસપાસમાંથી લોકો ભેગા થઈ જતા ચારેય શખ્સો કારમાં જતા રહ્યા હતાં. ત્યાર પછી તેણે શેઠને આ અંગે જાણ કર્યા બાદ કુવાડવા રોડ પોલીસ મથકમાં જઈ ફરીયાદ નોંધાવી હતી.