Get The App

ફી નહી મળતા શિક્ષણ બંધ કરી ખાનગી સ્કૂલોએ સાબિત કર્યું તેમને પૈસામાં જ રસ

શિક્ષકો માટે પણ લાગણી નથી, મોટાભાગની સ્કૂલોએ લોકડાઉનમાં શિક્ષકોનું ધ્યાન રાખ્યું નહી હવે 'ફી નહી તો પગાર નહીની નીતિ

સોશિયલ મીડિયા પર સ્કૂલો સામે રોષ ઠલવાયો

Updated: Jul 24th, 2020

GS TEAM

Google News
Google News

સુરત તા- 24 જુલાઇ 2020 શુક્રવાર

સરકારે જ્યાં સુધી શાળાઓ વાસ્તવિક રૃપે શરૃ ન થાય ત્યાં સુધી ફી નહી લેવા ખાનગી શાળાઓને આદેશ કરતા વાલીઓમાં ખુશી ફેલાઇ ગઇ હતી. બીજીતરફ ખાનગી શાળા સંચાલકોનાં પેટમાં જાણે તેલ રેડાયુ હતું. તો ખાનગી શાળાનાં શિક્ષકો વાલી અને સંચાલકોની લડાઇમાં સેન્ડવીચ બની ગયા છે. શાળા સંચાલકોએ શિક્ષકોનાં પગાર પર કાતર ફેરવી દીધી અને ઓનલાઇન શિક્ષણ પણ બંધ કરી દીધુ છે. તેમના આ પગલાથી સોશિયલ મીડિયામાં ખાનગી શાળાઓ પર માછલા ધોવાઇ રહ્યા છે.

''ફી નહી મળવાથી ઓનલાઇન શિક્ષણ બંધ કરીને ખાનગી શાળાનાં સંચાલકોએ સાબિત કરી દીધુ કે તેમને બાળકના શિક્ષણ કે ભવિષ્યમાં રસ નથી પણ રૃપિયામાં જ રસ છે,ખાનગી શાળાઓએ માત્રને માત્ર ફી માટે જ ઓનલાઇન ગતકડા કર્યા હતા. એ બહાને ફી ઉઘરાવી શકાય'' આ પ્રકારના અનેક મેસેજ બે દિવસથી સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. સરકારનાં ફી માફીના આદેશથી વાલીઓ તો ખુશ છે પણ શાળા સંચાલકો દુઝણી ગાય વસુકી જતા પરેશાન થઇ ગયા છે. આવકનો મૂળ સ્રોત જ બંધ જતા ઓનલાઇન શિક્ષણ પણ બંધ કરી દીધું છે. જે કારણમાં શિક્ષકોનો પગાર કઇ રીતે કરવો એવુ જણાવવામાં આવી રહ્યુ છે.

માહિતી મુજબ લોકડાઉનમાં પણ જ્યારે શાળાઓ બંધ હતી ત્યારે ઘણી બધી શાળાઓએ વાલીઓ પાસેથી ફી ઉઘરાવી પણ શિક્ષકોના પગાર બંધ કર્યા, કેટલાકને છૂટા કર્યા કેટલાકનો પગાર કાપી લીધો. ઓનલાઇન શિક્ષણ શરૃ થયા પછી પણ અમૂક શિક્ષકોને જ બોલાવાતા હતાં. તે હવે બંધ થતા સુરતમાં ૭૦૦૦ જેટલા શિક્ષકોને બેરોજગાર બન્યા છે. કારણ કે મોટા ભાગની શાળાઓએ જાહેર કરી દીધુ કે ફી નહી તો પગાર નહી. શિક્ષકો સરકારના આદેશથી વાલીઓ માટે ખુશ છે પણ પોતાની ઇન્કમ બંધ થઇ જતા દુખી પણ છે. વરાછાનાં ખાનગી સ્કૂલના શિક્ષકે કહ્યુ કે સરકારનો નિર્ણય આવકારદાયક છે પરંતુ શિક્ષકો માટે પણ કંઇ વિચારવાની જરૃર હતી.

સંકટ સમયે શિક્ષકોને નોધારા કર્યા

પ્રાપ્ત માહિતી મુજબ ખાનગી શાળાઓમાં જે ફી લેવામાં આવે છે તેમાંથી શાળાને ૬૦થી ૭૦ ટકા નફો થાય છે. હકિકતમાં આગળના વર્ષોમાં શાળાઓ દ્વારા જે કમાણી થઇ છે તેના દ્વારા તેઓ એક વર્ષ સુધી શિક્ષકોને સ્કૂલ ફી લીધા વિના પણ પગાર કરી શકે એવી સ્થિતી છે. તેમછંતા કોરોનાકાળમાં શિક્ષકોને પગાર માટે રણમાં પાણીની એક બૂંદ માટે તરસવુ પડે એવી નોબત આવી હતી. ત્યારે પણ શિક્ષકોને કહી દેવાયુ કે શાળા ચાલુ થાય પછી પગાર થશે. સંકટ સમયમાં પણ કેટલીય શાળાઓએ વર્ષોથી શાળામાં સેવા આપનાર શિક્ષકોને પણ નકારી દીધા હતાં. જો કે કેટલીય શાળાઓએ પોતાની ફરજ નિષ્ઠાપુર્વક બજાવી પણ છે.

શિક્ષકો રત્નકલાકાર સહિતના અન્ય ધંધામાં વળ્યા

લોકડાઉન પછી સામાન્ય લોકો સાથે શિક્ષકોની હાલત પણ ખરાબ હતી. શાળાઓએ મદદ કરવાથી હાથ ઉંચા કરી દેતા શિક્ષકોને મજબુરીમાં અન્ય વ્યવસાયમાં જવાની નોબત આવી હતી. જેમાં કોઇ રત્નકલાકાર બની ગયા તો કોઇએ સેનેટાઇઝર, માસ્ક વેચાણનાં ધંધામાં પણ હાથ માર્યો છે. નામ ન આપવાની શરતે એક શિક્ષકે કહ્યુ કે શાળાએ લોકડાઉન પછી નોકરીમાંથી બરતરફ કરતા હીરા ઘસવાનુ ચાલુ કરી દીધુ છે. જેનાથી ઇજ્જતથી ઘરથી તો ચાલે છે. શાળાને ઇમાનદારી અને મહેનતથી આપેલા વર્ષો સંકટ સમયે કામ ન લાગ્યા.

ખાનગી સામે સરકારી શાળાનાં ફાયદા પણ વાયરલ

સરકારી શાળાનાં શિક્ષક રઘુવીર દુધરેજીયાએ પોસ્ટ કરી કે '' બહું કરી એક ઝાટકે ના પાડી દીધી, જો ફી નહિં તો ઓનલાઈન શિક્ષણ નહિં. ન કોઈ લાગણી, ન કોઈ સંબધ. વિચારો વાલીઓ એની સામે સરકારી શાળા તમને શું  સુવિધા આપે છે.

૧. પહેલા તો તમે જ સરકારી શાળા ચલાવી શકો છો. ન સમજ્યા, શાળા વ્યવસ્થાપન સમિતિમાં સભ્ય બની તમે શાળાના વિકાસમાં ભાગીદાર બની તમારૃ યોગદાન આપી શકો છો.

૨. જો તમારા બાળકનું આધાર કાર્ડ ન હોય  તો મદદરૃપ.

૩. શિષ્યવૃત્તિ માટે બેન્ક ખાતા ખોલાવવા મદદરૃપ .

૪. મફત પાઠયપુસ્તકો સરકાર મારફત.

૫. નિયમ મુજબ ઘરથી શાળાનું અંતર વધુ હોય તો વાહન ભાડું સરકાર આપે.

૬.જવાહર નવોદય, એનએમએમએસ જેવી પરિક્ષાની તૈયારી કરાવીએ.

૭. સરકારશ્રની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, હરિફાઈમાં ભાગ લેવડાવી ગુણોની ખીલવણી સાથે ઈનામો પણ ખરા જ.

૮. વખતો વખતની જોગવાઈ મુજબ લાયકાત વાળા શિક્ષકો.

૯. શિક્ષણ ગુણવત્તા ચકાસણી માટે તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલેથી સુપરવિઝન, મોનીટરીંગ.

૧૦. ગણવેશ, શિષ્યવૃતિ સીધી જ વિદ્યાર્થીઆના ખાતામાં જ.

૧૧. વિશાળ રમતગમતના મેદાનો, કમ્પ્યુટર લેબો, રમત ગમતના સાધનો.

૧૨. બાળમેળો, ઈકો ક્લબ, પ્રજ્ઞાા, ગ્રીન સ્કૂલ, બાલા પ્રોજેક્ટ, પર્યાવરણ પ્રયોગશાળા જેવા શિક્ષણના આધુનિક આયામો તો ખરા જ.

૧૩. એકમ કસોટી અને વિધાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે વિવિધ અભિયાનો.

૧૪. કેળવણી એવી કે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય. તો આવો સરકારી શાળા દેશના ભાવિના ઘડતર માટે તમને આવકારે છે. બાકી છેલ્લે પસંદગી તમારી..

Tags :