Gujarat

સરકારના પરિપત્રની ઐસી કી તૈસી..સંખ્યાબંધ ખાનગી સ્કૂલોમાં પુસ્તકોનું વેચાણ

By GS TEAM
6 Jun 20261 min read
સરકારના પરિપત્રની ઐસી કી તૈસી..સંખ્યાબંધ ખાનગી સ્કૂલોમાં પુસ્તકોનું વેચાણ

વડોદરાઃ તા.૮ જુલાઈથી શરુ થનારા  નવા શૈક્ષણિક વર્ષને ધ્યાનમાં રાખીને અને શનિવાર તથા રવિવારની રજાઓના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ ખરીદી કરવા માટે ઉમટયા છે ત્યારે  શહેરના બૂક સેલર્સને પાઠય પુસ્તકોનું વિતરણ કરતી વડોદરા ટ્રેડર્સ કન્ઝ્યુમર્સ કો ેઓપરેટિવ સોસાયટીએ ગંભીર આક્ષેપો કર્યા છે.

સોસાયટીનું કહેવું છે કે,શિક્ષણ વિભાગે પરિપત્ર પાઠવીને મનાઈ ફરમાવી હોવા છતા શહેરની સંખ્યાબંધ ખાનગી સ્કૂલો પોતાને ત્યાંથી જ પુસ્તકો અને સ્ટેશનરીનું વેચારણ કરી રહી છે.કેટલીક સ્કૂલો તગડી રકમ લઈને માત્ર એક જ વેપારીને કોન્ટ્રાક્ટ આપી રહી છે તો પાઠય પુસ્તકો સિવાયના વધારે કિંમત ધરાવતા વધારાના પુસ્તકોનું પણ વેચાણ કરવામાં આવી રહ્યુ છે.આવા પુસ્તકો પણ માત્ર સ્કૂલ નક્કી કરે તે જ વેપારીની દુકાન પર ઉપલબ્ધ હોય છે.આમ વાલીઓને ચોક્કસ જગ્યાએથી જ ઉંચા ભાવે પુસ્તકો લેવાની ફરજ પડી રહી છે.

સોસાયટીનું કહેવું છે કે, શાળાઓ દ્વારા શિક્ષણની જગ્યાએ વેપાર થઈ રહ્યો હોવાથી વાલીઓના ખિસ્સા પર ભાર પડી રહ્યો છે.ખરેખર તો સરકારે જ પાઠય પુસ્તકોની જેમ વધારાની રેફરન્સ બૂક્સ પ્રકાશિત કરવી જોઈએ.જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટાવાનો વારો ના આવે.