ખાનગી કંપનીના સુપરવાઇઝરને સારા વળતરની લાલચ આપી છેતરપિંડી

વડોદરા,માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારા વળતરની લાલચ આપી ૨૪.૩૮ લાખની છેતરપિંડી કરનાર મહારાષ્ટ્રની મહિલા સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કરાડ તાલુકાના કાલે ગામમાં રહેતા સંભાજી જ્ઞાાનદેવભાઇ દેસાઇ વડોદરા સ્થાયી થયા છે અને હાલમાં માણેજા શ્રીજી હોસ્પિટલ નજીક આર ટાવર ફ્લેટમાં રહે છે. તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું એબીબી કંપનીમાં રીલે પ્રોડક્ટનું સુપરવિઝન કરૃં છું. ઓગસ્ટ - ૨૦૨૩ માં હું નાસિક ગયો ત્યારે મારા મિત્ર લાલસો પવારે કહ્યું હતું કે, અમારા ગામમાં રહેતા વનિતાબેન માર્કેટમાં રોકાણ કરાવી સારૃં વળતર અપાવે છે. ત્યારબાદ મેં વનિતાબેનનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમણે સારા વળતરી ખાત્રી આપતા મેં ૯૫ હજાર ફોન પે થી તેઓને ટ્રાન્સફર કર્યા હતા. સપ્ટેમ્બર ૨૦૨૩ થી ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન મેં ઓનલાઇન ૨૭.૫૯ લાખ વનિતાબેનને ચૂકવ્યા હતા. વનિતાબેને ક્યાં રોકાણ કર્યુ ?તેની મને જાણકારી નથી. મેં ઇન્વેસ્ટ કરેલા રૃપિયામાંથી વનિતાબેને મને ૩.૨૧ લાખ પરત આપ્યા હતા. બાકીના રૃપિયાની માંગણી કરવા છતાંય મને આપ્યા નથી. તેઓ બહાના બનાવે છે અને છેલ્લા ચાર મહિનાથી તેઓ મારો ફોન પણ રિસિવ કરતા નથી.








