જામનગરમાં એક ખાનગી કંપનીએ ઊંચું વળતર આપવાના સપના દેખાડી કરોડો રૂપિયા રોકાણકારો પાસેથી ખંખેરી લીધા

Jamnagar Fraud Case : જામનગર શહેરમાં ખાનગી કંપનીએ રોકાણ કરી વધુ નફો મેળવવાની લાલચ આપીને કરોડો રૂપિયા જામનગર શહેર જિલ્લાના અનેક રોકાણકારો પાસેથી મેળવી લીધા બાદ પાકતી મુદતે નાણાં નહીં આપી છેતરપિંડી કરી હોવાથી એજન્ટ સહિતના અનેક રોકાણકારો રસ્તા પર ઉતર્યા છે, અને તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે.
જામનગર શહેરના પંચેશ્વર ટાવર પાસે આવેલી યૂનીક મર્કેન્ટાઇલ નામની કંપની દ્વારા રોકાણ માટે લોભામણી અનેક સ્કીમો બહાર પાડવામાં આવી હતી. જે કંપનીમાં એજન્ટો મારફત શહેરભરમાં જુદા જુદા વિસ્તારોના મોટી સંખ્યામા લોકોએ પોતાની બચતમાંથી રોકાણ કર્યું હતું.
પરંતુ પાકતી મુદતે રોકાણકારોને પૈસા પરત આપવામાં આવ્યા ન હતા. જેથી અગાઉ પણ રોકાણકારોના દેકારાના કારણે કંપનીના અધિકારીઓએ પૈસા આપી દેવાની ખાતરી આપી હતી. જેથી મામલો થાળે પડયો હતો.
પરંતુ તેને બે થી ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં રોકાણકારોને પૈસા પરત મળ્યા નથી. જેથી રોકાણકારોએ એકઠા થઈને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. અને પોલીસમાં ગુનો નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જેથી પોલીસે પણ આ અંગે ઉડાણ પૂર્વકની તપાસ હાથ ધરીને ગુનો નોંધવાની કાર્યવાહી આરંભી છે. જે કંપની દ્વારા કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે યુનિક કંપનીના સંચાલકો સામેં અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી છે જેથી જામનગરમાં પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે, તેવી એજન્ટો અને રોકાણકારો તંત્ર સમક્ષ માગણી કરી રહ્યા છે.

