જામનગર તાલુકાના નવા નાગના ગામના બે ખેડૂતોની જમીનમાં ખાનગી કંપની દ્વારા ગેરકાયદે ખોદકામ કરી રૂપિયા ચાર લાખની માટીની ચોરી કરી લેવાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર તાલુકાના નવા નાગના ગામમાં આવેલી બે ખેડૂતોની ખેતીની જમીનમાં એક ખાનગી કંપનીના કર્મચારીઓ દ્વારા ગેરકાયદે રીતે ખોદકામ કરી લેવાયું હતું, અને અંદાજે રૂપિયા ચાર લાખની કિંમતનું ખનીજ (માટી)ની ચોરી કરી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે, અને તે મામલે ખેડૂતની ફરિયાદના આધારે બેડી મરીન પોલીસ મથકમાં ખાનગી કંપનીના જવાબદાર કર્મચારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના નવા નાગના ગામમાં રહેતા અને ખેતી કામ કરતા જીતેન્દ્ર રામજીભાઈ રાઠોડ નામના ખેડૂતે પોતાની સર્વે નંબર 151 વાળી જમીન, તેમજ બાજુમાં જ આવેલી અન્ય ખેડૂતની સર્વે નંબર ૧૫૦ વાળી જમીન, કે જે બંને જમીનમાંથી છેલ્લા નવ મહિનાના સમયગાળા દરમિયાન એ.એન્ડ ટી. પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના જવાબદાર કર્મચારીઓ વગેરે દ્વારા ખોદી લેવામાં આવી હતી, અને તેનો ઉપયોગ પોતાની કંપની માટે કરી લેવાયો હતો.
આ મામલે ખેડૂત દ્વારા જામનગર જિલ્લા કલેક્ટર સમસ સ્વાગત ફરિયાદ નિવારણ ના અનુસંધાને અરજી કરી હતી. જેની સુનાવણી દરમિયાન તપાસમાં ખાનગી કંપનીએ બંને ખેડૂતોની જમીનમાંથી આશરે ચાર લાખથી વધુની માટીનું ખોદકામ કરી લીધું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને કુલ 1646.76 મેટ્રિક ટન માટે કાઢી લેવાઇ હતી, જેની અંદાજિત કિંમત 4,06,339 થવા જાય છે. આખરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી થઈ હતી.
આથી બેડી મરીન પોલીસ સ્ટેશનના પી.આઇ. વી.એસ. પોપટ અને તેઓની ટીમે ખેડૂત જીતેન્દ્ર રાઠોડ ની ફરિયાદના આધારે ખાનગી કંપનીના જવાબદાર કર્મચારીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303 (2) મુજબ ગુનો નોંધ્યો છે, અને સ્થાનિક જગ્યાનું પંચનામુ અને સર્વે કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.









