Gujarat

બીપીએલની આઠમી મેચમાં પૃથ્વી પેન્થર્સ 41 રને વિજેતા

By GS TEAM
19 Jun 20252 mins read
બીપીએલની આઠમી મેચમાં પૃથ્વી પેન્થર્સ 41 રને વિજેતા



કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમમાં આયોજિત બરોડા પ્રીમિયર લીગ ટી- ટ્વેન્ટીની આઠમી મેચમાં અમી સુપર એવેન્જર્સ અને પૃથ્વી પેન્થર્સની ટીમ વચ્ચે ટક્કર થઈ હતી. આ મુકાબલામાં પૃથ્વી પેન્થર્સના 170 રનના લક્ષ્યાંક સામે અમી એવેન્જર્સ 129 રનમાં હાંફી જતા પૃથ્વી પેન્થર્સનો 41 રને વિજય થયો હતો.

આજે તા.19 જૂનના રોજ બપોરે અમી સુપર એવેન્જર્સ અને પૃથ્વી પેન્થર્સ વચ્ચે ટક્કર થઈ હતી. અમી એવેન્જર્સએ ટૉસ જીતી ફિલ્ડીંગનો નિર્ણય કરતા પૃથ્વી પેન્થર્સએ 20 ઓવરમાં 170 રનનો લક્ષ્યાંક આપવા સાથે ઓલઆઉટ થઈ હતી. જેમાં અમી એવેન્જર્સના બોલર અતીત શેઠએ 4 ઓવરમાં 32 રન આપી 5 વિકેટ ઝડપી હતી. જ્યારે પૃથ્વી પેન્થર્સના બેટ્સમેન પ્રિયાંશુ મોલિયાએ 27 બોલમાં 41 રન અને મોહિત મોંગિયાએ 14 બોલમાં 32 રન ફટકાર્યા હતા. ત્યારબાદ  બીજી ઇનિંગ્સમાં અમી સુપર એવેન્જર્સ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 129 રન બનાવી શકી હતી. જેમાં પૃથ્વી પેન્થર્સના બોલર મોહિત મોંગીયાએ 4 ઓવરમાં 15 રન આપી 3 વિકેટ ઝડપી હતી. જ્યારે અમી એવેન્જર્સના બેટ્સમેન મનન સોલંકીએ 34 બોલમાં 35 રન ફટકાર્યા હતા. તથા ઈરફાન શેખ 21 બોલમાં 33 રન બનાવી અણનમ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શ્રેષ્ઠ સ્ટ્રાઇકર તરીકે પ્રિયાંશી મોલિયા તેમજ ગ્રીન ડોટ એવોર્ડ ભાર્ગવ ભટ્ટને ફાળે ગયો હતો. તેણે 4 ઓવરમાં 16 રન આપી 13 ડોટ બોલ ફેંક્યા હતા.


આ મુકાબલા બાદ સાંજે એ ફોર પાવર સ્ટ્રાઈકર અને ડાયમંડ ડેઝલર્સ વચ્ચે ટક્કર થઈ હતી. હવે આવતીકાલે તા.20 જૂનના રોજ બપોરે એ ફોર પાવર સ્ટ્રાઈકર અને પૃથ્વી પેન્થર્સ તથા સાંજે ડાયમંડ ડેઝલર્સ અને એલેમ્બિક વોરિયર્સ વચ્ચે મુકાબલો યોજાશે.