માંજલપુરમાં પ્રેમિકા સાથે મળીને તેના પતિની હત્યા કરનાર પ્રેમી ૧૦ વર્ષે નાસિકથી પકડાયો
વડોદરાઃ માંજલપુર વિસ્તારના ચકચારી હત્યા કેસમાં આજીવન સજા પામનાર કેદી ૧૦ વર્ષ પછી નાસિક ખાતે થી પકડાયો છે.
માંજલપુરમાં વર્ષ-૨૦૧૦માં બનેલા હત્યાના બનાવમાં પ્રેમિકાએ તેના પ્રેમીને સાથે રાખી રૃ.૩૦ હજારની સોપારી આપી પતિની હત્યા કરાવી હતી.જે બનાવમાં કોર્ટે પ્રેમિકા અને તેના પ્રેમી યોગેશ મુરલીધર ગીતે(સિંગવે ગામ,નાસિક)ને આજીવન કેદની સજા ફરમાવી હતી.
આ ગુનામાં વર્ષ-૨૦૧૫માં વચગાળાના જામીન પર છૂટેલા યોગેશ ગીતેને ૧૫ દિવસ બાદ હાજર થવા ફરમાન કર્યું હતું.પરંતુ તે હાજર થયો નહતો.જેથી જેલ સત્તાધીશોએ વડોદરા પોલીસને પત્ર લખી જાણ કરી હતી.
આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત વોચ રાખી રહી હતી અને નાસિક ખાતેના વતનમાં કેદી યોગેશ હાજર હોવાની વિગતો મળતાં ત્યાં પહોંચીને ઝડપી પાડયો હતો.