Get The App

ધારાસભ્ય દારૂના ધંધાના ભાગીદાર હોવાનો આક્ષેપ કરનાર કેદીનું મોત

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
ધારાસભ્ય દારૂના ધંધાના ભાગીદાર હોવાનો આક્ષેપ કરનાર કેદીનું મોત 1 - image

જૂનાગઢ જિલ્લા જેલમાંથી થોડા સમય પહેલાં પત્ર જાહેર કર્યો હતો : ગુજસીટોકના ગુનામાં જેલમાં રહેલા ઉના પંથકના પ્રૌઢને જેલ સત્તાધીશો માનસિક ત્રાસ આપતા હોવાનો પરિવારજનોનો આક્ષેપ

જૂનાગઢ, : ઉના ભાજપના ધારાસભ્ય કે.સી. રાઠોડ દારૂના ધંધાના ભાગીદાર હોવાના જૂનાગઢ જિલ્લા જેલમાંથી આક્ષેપ કરનાર કેદી ભગુ ઉકા જાદવનું મોત થતા ચકચાર મચી છે. ધારાસભ્ય સામે આક્ષેપ કરનાર ભગુ ઉકા સામે ગુજસીટોકનો ગુનો દાખલ થતાં તે જેલમાં હતા. આજે સવારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેનું મોત થયું છે.

થોડા સમય પહેલા ઉનાના ધારાસભ્ય કે.સી. રાઠોડ સામે પોતાની સાથે દારૂના ધંધામાં ભાગીદાર હોવાનો અને તેના નાણાંની ઉઘરાણી કરતો પત્ર ઉના પંથકના કુખ્યાત બુટલેગર ઉકા ભગા જાદવે જૂનાગઢ જિલ્લા જેલમાંથી જાહેર કર્યો હતો. આ મુદ્દે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી. આજે સવારે 10 વાગ્યા આસપાસ ભગુભાઈને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા જેલના તબીબો તથા સુરક્ષાકર્મીઓ દ્વારા જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરવા સહિતની ગતિવિધી શરૂ કરવામાં આવી છે.

મૃતક ભગુ ઉકા જાદવ ઉના તાલુકાના ઉમેજ ગામનો વતની હતો અને તેની સામે અનેક ગુનાહિત ઈતિહાસ હોવાથી પોલીસે તેની સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ કેદી જુલાઈ 2025થી જૂનાગઢ જીલ્લા જેલમાં છે. 

આ મામલે જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષક ડી.એમ. ગોહિલે જણાવ્યું હતું કે, ગુજસીટોકના ગુના હેઠળ તા. 10-7-2025 થી ભગુ ઉકા જાદવ જૂનાગઢ જેલમાં કાચા કામના કેદી તરીકે હતા, તેને હાઈપર ડાયાબિટીશ રહેતું હતું, આજે સવારે પડી જતા જેલના તબીબ દ્વારા તપાસ કરી તાત્કાલીક સિવીલ હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા છે. મૃતકના પરિવારજનો હોસ્પિટલે પહોંચ્યા હતા અને તેણે જેલ સત્તાધિશો સામે માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપો કર્યા હતા.