૮ વર્ષના પેરોલ જમ્પ પછી હાજર થયેલા કેદીનું મોત
પેરોલ જમ્પ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થતા તેની પત્ની જ જેલમાં પરત લઇ આવી
વડોદરા,પેરોલ જમ્પના આઠ વર્ષ પછી પરત હાજર થયેલા ઇજાગ્રસ્ત કેદીનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સારોલ ગામે ઉગમનો ભાગ વિસ્તારમાં રહેતા જીવાભાઇ લક્ષ્મણભાઇ તળપદા ( ઉં.વ.૪૨) ની સામે વિરસદ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયો હતો. આણંદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને તા. ૧૦ - ૦૮ - ૨૦૧૦ ના રોજ આજીવન કેદની સજા કરી હતી. આરોપીને નડિયાદ જેલથી વડોદરા જેલમાં તા. ૧૯ - ૦૮ - ૨૦૧૦ ના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. કેદી તા. ૨૮ - ૦૨ - ૨૦૧૭ ના રોજ ૧૫ દિવસની પેરોલ પર જેલમાંથી મુક્ત થયો હતો. ત્યારબાદ તે ફરીથી જેલમાં હાજર થયો નહતો. આ સમય દરમિયાન તે મજૂરી કામ કરતા પડી જતા ગંભીર ઇજા થઇ હતી. કેદીને જામનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં તેની પત્ની વડોદરા જેલમાં હાજર થવા ગત ૯ મી તારીખે બપોરે બે વાગ્યે લઇ આવી હતી. કેદીની હાલત જોઇ જેલ સત્તાવાળાએ તેને તરત જ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યો હતો. પરંતુ, સારવાર દરમિયાન તેનું ગઇ મોડીરાતે મોત થયું હતું.