હત્યાની કોશિશના ગુનાના કેદીનું સારવાર દરમિયાન મોત
કેદીને ગળામાં ગાંઠ હતી : પિતા -પુત્ર બંને વડોદરા જેલમાં સજા ભોગવતા હતા
વડોદરા, ૭૨ વર્ષના કેદીનું સારવાર દરમિયાન મોત થયું છે. જે અંગે રાવપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાલેજ પોલીસ સ્ટેશનમાં વર્ષ - ૨૦૧૭ માં હત્યાની કોશિશનો ગુનો દાખલ થયો હતો. જેમાં પોલીસે આરોપી રૃમાલીયો ખુમાનસીંગ બામણીયા, ઉં.વ.૭૨( રહે. આંબી ઉજાડ ફળિયું, તા. આંબવા, જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ, હાલ રહે. ઘોડી ગામ, તા. ભરૃચ)ને ભરૃચ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે તા. ૧૫ - ૦૫ - ૨૦૨૩ ના રોજ ૧૦ વર્ષની કેદ તથા પાંચ હજારનો દંડ કર્યો હતો. કેદીને તા. ૧૯ - ૦૫ - ૨૦૨૩ ના રોજ ભરૃચ જેલથી વડોદરા સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તેના પુત્રને પણ સજા થઇ હોઇ તે પણ પિતા સાથે વડોદરા જેલમાં જ હતો. આજે રૃમાલીયોની તબિયત બગડતા સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. તેમનો મૃતદેહ પુત્ર રમેશને અંતિમ વિધિ માટે સુપરત કરવામાં આવ્યો છે. પોલીસનું જણાવવું છે કે, કેદીને ગળામાં ગાંઠ થઇ હતી. તેની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. મોતનું સાચું કારણ પી.એમ. રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે.