સુરતમાં શિક્ષણ સમિતિ, નિરીક્ષકની સુચનાનો અનાદર કરવા સાથે અનેક ફરિયાદ બાદ આચાર્યની શિક્ષાત્મક બદલી
Surat Education Committee : સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સામાન્ય રીતે આચાર્યની બદલી થતી નથી પરંતુ વડોદની એક હિન્દી માધ્યમની શાળાના આચાર્યની કામ ચલાવ બદલીનો ઓર્ડર કરી દેવાયો છે. સમિતિએ બદલીનો પત્ર આપ્યો છે તેમાં નિષ્ઠાનો અભાવ અને ગંભીર બેદરકારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં આ શાળામાં પ્રવાસી શિક્ષકની કાયદેસરતા સામે પણ પ્રશ્નો ઉઠ્યા હતા અને શિક્ષકો સાથે સંકલનનો અભાવ અને નિરીક્ષક-સમિતિની સૂચનાનું પાલન ન કરતા આખરે બદલીનો ઓર્ડર કરી દેવામાં આવ્યો તે ચર્ચાનો વિષય બન્યો છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વડોદ ખાતેની શાળા ક્રમાંક 199ના આચાર્ય રામસેવક રાઠોડની શિક્ષણ સમિતિએ બદલીનો ઓર્ડર કર્યો છે. આ બદલીના ઓર્ડર સાથે જ સમિતિમાં અનેક ચર્ચા શરૂ થઈ છે. સામાન્ય રીતે આચાર્યની બદલી થતી નથી પરંતુ અનેક ફરિયાદો અને આચાર્યની કામગીરીમાં બેદકારી અને સમિતિની સૂચનાનું પાલન ન થતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડતા સમિતિએ કામ ચલાઉ શિક્ષાત્મક બદલી કમરૂનગર ખાતે કરી દીધી છે.
સમિતિએ બદલીનો હુકમ કર્યો છે તેમાં આચાર્યની ફરજ પ્રત્યેની નિષ્ઠાનો અભાવ અને કામગીરીમાં ગંભીર બેદરકારી હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત પત્રમાં લખ્યું છે કે નિરિક્ષકો દ્વારા આચાર્યને વારંવાર સૂચના આપવામાં આવતી હતી અને તેનો અનાદર કરવામાં આવતો હતો. જેના કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને હાની પહોંચતી હતી. તે ચલાવી લેવાય તેમ નથી. જેથી બીજો હુકમ ન થાય ત્યાં સુધી કુમરુનગર ખાતે આવેલી શાળા ક્રમાંક 320 માં બદલી કરવામાં આવી છે અને 199ની શાળાના આચાર્ય તરીકે સિનિયર શિક્ષકને ચાર્જ સોંપવા જણાવ્યું છે.
આ પહેલા ગત ટર્મમાં આ શાળામાં પ્રવાસી શિક્ષકો રાખવામાં આવ્યા હતા તેની કાયદેસરતા સામે પ્રશ્નો ઉભા થયા હતા. એટલું જ નહીં પરંતુ શાળાના અન્ય શિક્ષકો સાથે સંકલન રાખતા ન હતા. એવી પણ ફરિયાદ થઈ હતી કે પોતાની કામગીરી ન જાણી શકાય તે માટે સીસીટીવી પણ કઢાવી નાંખ્યા હતા. આ ઉપરાંત શાળામાં પાન માવા નું વ્યસન કરવા સાથે આ ઉપરાંત સમિતિ સાથે સંકલન કરીને ઝોનમાં પત્ર વ્યવહાર કરવાનો હોય પરંતુ તેઓએ પોતે જ ઝોનમા પત્ર લખી દેતા હતા અને ઉપરી અધિકારીઓ સાથે પણ યોગ્ય વર્તન ન હતું. આ માટે વારંવાર તાકીદ કરવામાં આવી હોવા છતાં પણ નહી સુધરતા આજે બદલી કરી દેવામાં આવી છે.